‘કોઈપણ કિંમતે જવાબ આપવો પડશે’ પુતિન યુક્રેન સાથે બદલો લેવા મક્કમ!

વોશિંગ્ટન ડી સી: ગત રવિવારે યુક્રેને 100થી વધુ ડ્રોન છોડીને રશિયાના કેટલાક એરબેઝ (Ukrainian attack on Russia)પર હુમલો કર્યો હતો, જેમાં રશિયાના 40થી વધુ એરક્રાફ્ટનો નાશ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યાર બાદ રશિયા માટે વ્યૂહાત્મક રીતે મહત્વના ક્રિમીયા બ્રીજ પર વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. એવામાં રશિયનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સામે બદલો લેવા તલપાપડ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિન સાથે ફોન પર વાત (Trump-Putin phone call)કરી હતી. તેમની વચ્ચે થયેલી વાતચીત વિશે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કર્યું છે. ટ્રમ્પે લખ્યું છે કે તેમણે પુતિન સાથે એક કલાક અને 15 મિનિટ સુધી ફોન પર વાત કરી છે. આ ફોન કોલમાં પુતિને બદલો લેવાની વાત કરી હતી.
‘કોઈપણ કિંમતે જવાબ આપવો પડશે.’
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, ‘મેં હમણાં જ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી છે. આ કોલ લગભગ એક કલાક અને 15 મિનિટ સુધી ચાલ્યો. આ ફોન કોલમાં, અમે રશિયન જેટ પરના હુમલાઓ અંગે ચર્ચા કરી. વાતચીત ખૂબ જ સારી હતી, પરંતુ વાતચીત તાત્કાલિક શાંતિ તરફ આગળ વધી શકી નહીં. પુતિને કહ્યું છે કે તેમણે તાજેતરના હુમલાઓનો કોઈપણ કિંમતે જવાબ આપવો પડશે.’
ઇસ્તંબુલમાં વાટાઘાટો:
રશિયન રાષ્ટ્રપતિના સહાયક યુરી ઉષાકોવે પણ બંને દેશના વડા વચ્ચેની વાતચીત વિશે જાણકારી આપી છે. એક મીડિયા ચેનલે ઉષાકોવને ટાંકીને કહ્યું કે પુતિને ટ્રમ્પને કહ્યું કે ઇસ્તંબુલમાં તાજેતરની વાતચીત ખૂબ જ ઉપયોગી હતી જેમાં રાષ્ટ્રપતિઓ યુક્રેન પર વાતચીત ચાલુ રાખવા અને એકબીજા સાથે સતત સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
આ પણ વાંચો….યુક્રેને ક્રિમીઆ બ્રિજ પર ફરી હુમલો કર્યો: રશિયાને મોટા નુકશાનનો દાવો