
ભોપાલ: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. ટ્રેન્ડ મુજબ ભાજપને બહુમતી મળી છે અને ભાજપના કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન સ્વભાવે શાંત અને મૃદુભાષી કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પહેલીવાર ગાંધી પરિવાર પર પ્રહારો કર્યા છે.
સિંધિયાએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું, ‘ચંબલના લોકોએ કોંગ્રેસના નેતાઓને તેમની હેસિયત બતાવી દીધી. અમને અપેક્ષા કરતાં વધુ બેઠકો મળી. હું મધ્યપ્રદેશના લોકોનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું. હું દિગ્વિજય સિંહના દરેક શ્રાપનું સ્વાગત કરું છું. ગઈકાલે કોંગ્રેસના લોકો લાડુ ખરીદી રહ્યા હતા. પોસ્ટરો લગાવી રહ્યા હતા, પરંતુ અમે લોકોમાં સંપૂર્ણ વિશ્વાસ હોવાથી શાંતિથી અમારું કામ કરી રહ્યા હતા.
સિંધિયાએ કહ્યું હતું કે જનતાએ દરેકને જવાબ આપ્યો, દિગ્વિજય સિંહ હોય, કમલનાથ હોય, એક નેતાએ મારી ઊંચાઈને લઈને મારી સાથે દુર્વ્યવહાર કર્યો, મારા પરિવાર સાથે દુર્વ્યવહાર થયો, ત્યારે મેં કહ્યું હતું કે ગ્વાલિયર ચંબલના લોકો તેમને જવાબ આપશે. રાજ્યની જનતાએ તેમને તેમની હેસિયત બતાવી દીધી છે.
સિંધિયાએ પ્રિયંકા ગાંધીનું નામ લીધા વિના તેમના પર આ હુમલો કર્યો છે, કારણ કે પ્રિયંકા ગાંધીએ સિંધિયા અને રાજકારણમાં તેમના કદ વિશે નિવેદન આપ્યું હતું. સિંધિયાએ કહ્યું, ‘મેં તમામ અંગત હુમલા સામી છાતી પર ઝીલ્યા હતા અને જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે. લાડલી બેહન યોજના સંપૂર્ણ ગેમ ચેન્જર સાબિત થઈ છે. હું શિવરાજ સિંહને સલામ કરું છું.