
નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે રાજીનામું આપીને ચોંકાવી દીધા હતા. સંસદના ચોમાસું સત્રના પ્રથમ દિવસે જ તેમણે આ જાહેરાત કરી હતી. દિવસભર ગૃહનું સંચાલન કર્યા બાદ રાત્રે તેમણે રાજીનામું આપ્યું હતું. આજે તેમના રાજીનામાનો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો, જે અંગે ગેઝેટમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.
નવી નિમણૂક પ્રક્રિયા ટૂંક સમયમાં
રાષ્ટ્રપતિ દ્વારા રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યા બાદ બંધારણીય પ્રક્રિયા અંતર્ગત રાજ્યસભાના સભાપતિનું પદ ખાલી થયું છે અને નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂક કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.
આ અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જેમાં રાજીનામું સ્વીકારવામાં આવ્યું હોવાની સત્તાવાર જાણકારી આપવામાં આવશે. તેમનો કાર્યકાળ ઓગસ્ટ, 2027 સુધીનો હતો. તેમની પાસે હજુ બે વર્ષનો સમય બાકી હતો. આ સ્થિતિમાં અચાનક રાજીનામાથી અનેક અટકળો વહેતી થઈ છે.
આપણ વાંચો: સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું…
2022માં ઉપરાષ્ટ્રપતિપદે ચૂંટાયા હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ (નેશનલ ડેમોક્રેકિટ અલાયન્સ) સરકારે 2022માં જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. છઠ્ઠી ઓગસ્ટે યોજાયેલી ચૂંટણીમાં તેમણે વિરોધ પક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને મોટા અંતરથી હરાવ્યા હતા. ધનખડને કુલ 528 મત મળ્યા હતા, જ્યારે આલ્વાને ફક્ત 182 મત મળ્યા હતા. ત્યારબાદ 10 ઓગસ્ટ 2022ના રોજ તેમણે ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.
કોણ છે જગદીપ ધનખડ?
જગદીપ ધનખડ ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ હતા. તેમણે 10 ઓગસ્ટ 2022ના રોજ શપથ લીધા હતા, પરંતુ 21 જુલાઈ 2025ના રોજ તેમણે રાજીનામું આપી દીધું હતું. તેઓ રાજસ્થાનના એક ખેડૂત પરિવારમાંથી આવે છે અને ચિત્તોડગઢની સૈનિક સ્કૂલ તથા રાજસ્થાન યુનિવર્સિટીના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.
કાયદાનો અભ્યાસ કર્યા પછી, તેમણે રાજસ્થાન હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે કામ કર્યું હતું. રાજકારણમાં તેમણે કોંગ્રેસથી શરૂઆત કરી હતી અને બાદમાં ભાજપમાં જોડાયા હતા. 2019માં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યા હતા.