!["Congress leader Pratap Dudhat confronting BJP supporters during an election campaign rally in Chalala, Amreli."](/wp-content/uploads/2025/02/congress-leader-pratap-dudhat-campaign.webp)
અમરેલીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (local body election campaign) પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. કૉંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર (Geniben Thakor) અમરેલીમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. ચલાલા નગરપાલિકામાં કૉંગ્રેસ નેતાઓ ગેનીબેન ઠાકોર, પ્રતાપ દૂધાત (Pratap Dudhat), જેનીબેન ઠુંમર કાર્યકરો સાથે ડોર ટુ ડોર પ્રચાર (Door to door campaign) કરતા હતા તે સમયે ભાજપના કાર્યકર્તાઓએ પાછળથી સૂત્રોચ્ચાર કર્યો હતો. જેને લઈ કૉંગ્રેસના નેતાઓ અને ભાજપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. કૉંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે ભાજપના કાર્યકરોને ખખડાવી નાંખ્યા હતા. તેમણે કહ્યું કે, અમે આવાથી ફાટી નીકળતા નથી અને આ જવાબદારી પોલીસની છે. પોલીસે વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો.
કૉંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે જિલ્લા કૉંગ્રેસ સમિતિ, જેનીબેન ઠુંમર અને જિલ્લા કૉંગ્રેસ પ્રમુખને લેટર કાંડ મુદ્દે અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ રાજકમલ ચોકમાં ધરણા પર બેઠેલા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું નામ એક પણ વખત લીધું ન હતું. જે ચર્ચાનો વિષય બન્યો હતો.
ક્યારે યોજાશે મતદાન
ગુજરાતમાં 16 ફેબ્રુઆરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મત ગણતરી હાથ ધરાશે.ચૂંટણીને લઈ હાલ ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પૂરજોશમાં પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે. ત્રણેય પક્ષના નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે.
કેટલા ઉમેદવારો મેદાનમાં
આ ચૂંટણીઓ સંદર્ભે 27 જાન્યુઆરીથી પહેલી ફેબ્રુઆરી સુધી કુલ 7036 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા તે પૈકી 1261 અમાન્ય તેમજ 5775 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા હતાં. 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતાં. જ્યારે 213 બેઠકો બિનહરીફ થઈ હતી. તેમજ હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5084 ઉમેદવારો ચૂંટણી લડશે.
Also read: અમરેલી લેટર કાંડઃ પાયલ ગોટીએ શું લગાવ્યો સનસનીખેજ આરોપ?
જૂનાગઢ મનપાની 8 બેઠકો બિનહરીફ
જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડોની કુલ 60 બેઠકો પૈકી વોર્ડ નં.3 તથા 14ની 8 બેઠકો પૂર્ણ બિનહરીફ થઈ હતી. બાકીના વોર્ડોની બાવન પર ચૂંટણી યોજાશે. આ માટે કુલ 157 ઉમેદવારો મેદાનમાં છે. અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં.7, ભાવનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.3 તથા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.18ની પેટા ચૂંટણી હેઠળની ત્રણ બેઠકો પર કુલ 17 ઉમેદવારો હરીફાઇમાં છે.
66 નગરપાલિકાઓના 24 વોર્ડ બિનહરીફ
સામાન્ય ચૂંટણી હેઠળની 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થઈ હતી. કુલ 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ થઈ હતી. જ્યારે 1677 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ બેઠકો માટે કુલ 4374 ઉમેદવારો હરિફાઇમાં છે. બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓના 18 વોર્ડ પૈકી 4 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયા હતાં. કુલ 72 બેઠકો પૈકી 23 બેઠકો બિનહરીફ થઈ છે. જ્યારે 49 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ બેઠકો માટે 101 ઉમેદવારો હરિફાઇમાં છે.
પેટાચૂંટણીમાં કેટલી બેઠકો બિનહરીફ?
નગરપાલિકાની પેટા ચૂંટણી હેઠળની 21 બેઠકો પૈકી ૨ બેઠકો બિનહરીફ થઈ હતી. 19 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ 45 ઉમેદવારો હરિફાઇમાં છે. જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની 9 બેઠકો પૈકી 1 બેઠક બિનહરીફ થઈ હતી. 8 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ બેઠકો માટે 22 ઉમેદવારો હરિફાઇમાં છે. તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી હેઠળના 78 મતદાર મંડળો માટે 178 ઉમેદવારો હરિફાઇમાં છે. તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની 91 બેઠકો પૈકી 12 બેઠકો બિનહરીફ થઈ હતી.