
અમદાવાદઃ અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે 3 કરોડથી વધુનું કૌભાંડ આચરનારા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે વિરમસિંહ નામના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી હતી. તેણે 250થી વધુ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમમાં ‘ઘરનું ઘર’ અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. તે મકાન ફાળવણીના બહાને રકમ પડાવતો હતો અને ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરતો હતો. આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ અને વિરમસિંહ દ્વારા ફ્રોડ ડોક્યુમેન્ટ ક્યાંથી બનાવવામાં આવ્યા તે સહિતના મુદ્દાઓ પર પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં છેલ્લા થોડા સમયથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમમાં મકાન અપાવવાની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદો પોલીસને મળી રહી હતી. ફરિયાદના આધારે ઝોન 1 એલસીબીની ટીમે વિરમસિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. વિરમસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહ ઉર્ફે સાહેબ બોપલ વિસ્તારમાં રહે છે અને તેણે બી.એ સુધીનો અભ્યાસ કર્યો છે, તે સરકારી નોકરી મેળવવા જીપીએસસીની પણ તૈયારી કરી રહ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ ઈસ્કોન મંદિર વિવાદમાં પુત્રીનો ખુલાસો: માતા-પિતા મારપીટ કરતા હોવાનો આરોપ
આરોપી વિરમસિંહ પોતે સચિવાલયમાં નોકરી કરતો હોવાનું લોકોને જણાવતો હતો અને સાયન્સ સીટી રોડ ઉપર આવેલા ઔડાના પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમમાં મકાન કે દુકાન અપાવવાનું જણાવી રજીસ્ટ્રેશન પેટે અમુક રકમ મેળવી લેતો હતો, ત્યારબાદ ડ્રો લિસ્ટમાં નામ આવ્યા બાદ દસ્તાવેજ પેટે 1.40 લાખથી 1.60 લાખ રૂપિયા મેળવતો હતો. આ રીતે તેણે 250 થી વધુ લોકોને ચૂનો લગાવી ત્રણ કરોડથી વધુની રકમ પડાવી લીધી હતી.