નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતાઓની લોકપ્રિયતાની યાદીમાં ટોચ પર છે. તેમને 75 ટકાનું એપ્રુવલ રેટિંગ મળ્યું છે. દેશની અગ્રગણ્ય સર્વેક્ષણ એજન્સી દ્વારા કરવામાં આવેલા તાજા સર્વે અનુસાર, PM મોદીએ ફેબ્રુઆરી 2024માં 75 ટકાનું એપ્રુવલ રેટિંગ હાંસલ કર્યું છે. અગાઉ સપ્ટેમ્બર 2023માં જાહેર કરાયેલા ડેટામાં પીએમ મોદીને 65 ટકા રેટિંગ મળ્યું હતું. સર્વેના પરિણામોમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનથી પીએમ મોદીને ઘણો ફાયદો થયો છે. આનાથી તેમનું રેટિંગ ઘણું સુધર્યું છે. આ સિવાય UAEમાં મંદિરનું નિર્માણ, અવકાશમાં પહેલ, ભારતમાં G20 સમિટની સફળ યજમાની, મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન, મોટા વૈશ્વિક દેશો સાથે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરાર સહિતના અનેક મુદ્દાઓએ પીએમ મોદીની અપ્રુવલ રેટિંગમાં ઘણો ફાયદો કરાવ્યો છે.
આ વખતે પીએમ મોદીની એપ્રુવલ રેટિંગમાં 10 ટકાનો વધારો થયો છે. પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ ડિસેમ્બર 2022થી વધ્યું છે. ડિસેમ્બર 2022માં પીએમનું રેટિંગ 60 ટકા હતું. ફેબ્રુઆરી 2023માં પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 67 ટકા હતું. સપ્ટેમ્બર 2023માં તેમના રેટિંગમાં બે ટકાનો ઘટાડો થયો અને તેને 65 ટકા રેટિંગ મળ્યું. હવે ફેબ્રુઆરી 2024માં મોદીનું રેટિંગ ફરી વધ્યું છે.
રસપ્રદ વાત એ છે કે, કેટલાક શહેરોના લોકોએ વડાપ્રધાન તરીકેના તેમના પ્રદર્શન માટે મોદીને ખૂબ ઊંચા રેટિંગ આપ્યા છે. ઉદાહરણ તરીકે, ઉત્તરીય ક્ષેત્રના લોકોએ પીએમ મોદીને 92% રેટિંગ આપ્યું છે તો પૂર્વીય ક્ષેત્રના લોકોએ પીએમ મોદીને 84% અને પશ્ચિમ ક્ષેત્રના લોકોએ 80% રેટિંગ આપ્યું છે.. એ જ રીતે ટાયર 1 શહેરોમાં, પીએમ મોદીને 84% રેટિંગ મળ્યું, જ્યારે ટાયર 3 શહેરોમાં તેમને 80% રેટિંગ મળ્યું છે. નોંધનીય બાબત એ છે કે પીએમ મોદીને દક્ષિણ ઝોનમાં સૌથી ઓછું રેટિંગ (35%) મળ્યું છે.
જો આપણે વય જૂથની વાત કરીએ તો 45 વર્ષથી વધુ વય જૂથના 79% લોકોએ, 18-30 વર્ષ વય જૂથના 75% લોકોએ અને 31-45 વર્ષ વય જૂથના 71% લોકોએ પીએમ મોદી પર પસંદગી ઉતારી છે. સર્વેમાં ભાગ લેનારી 75 % મહિલાઓ અને 74 % પુરૂષોએ પીએમ મોદીને પસંદ કર્યા છે અને તેમને અપ્રુવલ આપ્યું છે.
જ્યારે દેશના વિવિધ મુદ્દા પર વાત કરીએ તો પ્રદૂષણ અને પર્યાવરણની બાબતોમાં પીએમ મોદીને 56%, ગરીબી નાબૂદીની બાબતમાં 45%, મોંઘવારી ઘટાડવાની બાબતમાં 44%, બેરોજગારી દૂર કરવાની બાબતમાં 43% અને ભ્રષ્ટાચારનો અંત લાવવાની બાબતમાં 42% રેટિંગ મળ્યું છે.
Taboola Feed