ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

VIBRANT GUJARAT: પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો અમદાવાદમાં ભવ્ય રોડ શો

અમદાવાદઃ ગરવી ગુજરાતના સૌથી મોટા મહોત્સવ વાઈબ્રન્ટ ગુજરાત માટે ગુજરાત રાજ્ય સજ્જ થઈ ગયું છે ત્યારે વાઈબ્રન્ટ ગુજરાતના ઉદ્ઘાટન પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટીને ઉત્સાહ દર્શાવ્યો હતો.

પીએમ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં ભવ્ય રોડ-શો યોજ્યો હતો. UAEના રાષ્ટ્રપતિ અલ નાહ્યાન પણ તેમની સાથે રોડ-શોમાં સામેલ થયા હતા. 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે UAEના રાષ્ટ્રપતિ અમદાવાદ પહોંચ્યા હતા, એરપોર્ટ પર પારંપરિક રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અગાઉ પીએમ મોદીએ મંગળવારે સવારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024નું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ શોમાં કુલ 20 દેશો ભાગ લઈ રહ્યા છે, જેનું ઉદ્ઘાટન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિ પહેલા કરવામાં આવ્યું હતું. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન પણ કરશે.

ગ્લોબલ ટ્રેડ શોના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ માઈક્રોનના સંજય મેહરોત્રા, ડીપી વર્લ્ડના ચેરમેન સુલતાન અહેમદ બિન સુલેમ, તોશિહિરો સુઝુકી, ડેકિન યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ, એપી મોલર મેર્સ્કના વિન્સેન્ટ ક્લાર્ક સહિત વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે પણ બેઠકો યોજી હતી. ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, એસ્ટોનિયા, બાંગ્લાદેશ, સિંગાપોર, સંયુક્ત આરબ અમીરાત (યુએઇ), યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા, રવાન્ડા, જાપાન, ઇન્ડોનેશિયા અને વિયેતનામ જેવા દેશોના પ્રતિનિધિઓ ગ્લોબલ ટ્રેડ શોમાં તેમના દેશમાં ચાલતા ઉદ્યોગો વિશે માહિતી રજૂ કરી હતી..

પીએમ મોદી તથા UAEના રાષ્ટ્રપતિની ઝલક જોવા માટે અમદાવાદના સ્થાનિકો સહિત અનેક લોકો ઉમટી પડ્યા હતા. સ્ત્રીઓ-પુરુષો, આબાલ વૃદ્ધ સહિત તમામ લોકો વૈશ્વિક નેતાઓને નિહાળવા માટે લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા. રોડ-શોના રૂટ પર આદિવાસી નૃત્યોની ઝાંખી જોવા મળી હતી, પરંપરાગત વેશભૂષામાં સજ્જ કલાકારોએ મંચ પર ભાતીગળ નૃત્ય કરી મહેમાનોનું મનોરંજન કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button