
મુંબઈ: રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત થતા 12 સભ્ય પૈકી આજે 4 નવા સભ્યના નામની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 26/11 મુંબઈ પર આતંકવાદી હુમલા, 1993 બોમ્બે બ્લાસ્ટ, ગુલશન કુમાર, પ્રમોદ મહાજનના મર્ડર જેવા અનેક કેસ લડનાર ભૂતપૂર્વ સરકારી વકીલ ઉજ્જવલ નિકમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉજ્જવલ નિકમને રાજ્યસભામાં નામાંકિત થયાની જાણ સ્વયં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.
ફોન પર મરાઠીમાં વાત કરી
દેશના જાણીતા ભૂતપૂર્વ સરકારી વકીલ ઉજ્જવલ નિકમને રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ રાજ્યસભાના સભ્ય બનાવ્યા છે. આ અંગેની જાણકારી સ્વયં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલ નિકમને આપી હતી. શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલ નિકમ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જે અંગે ઉજ્જલ નિકમે મીડિયાને માહિતી આપી હતી. નવાઈની વાત એ છે કે આ વાતચીત મરાઠી ભાષામાં થઈ હતી.
હિન્દીમાં વાત કરું કે મરાઠીમાં?
ઉજ્જવલ નિકમ મુંબઈના રહેવાસી છે. જેથી ટેલિફોનિક વાતચીતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પૂછ્યું હતું કે, “મારે હિન્દીમાં વાત કરવી જોઈએ કે મરાઠીમાં?” આ સાંભળીને બંને હસી પડ્યા હતા. ઉજ્જલ નિકમે કહ્યું હતું કે, “આપે તો બંને ભાષા પર પ્રભુત્ત્વ મેળવ્યું છે અને બંને ભાષાઓ સારી રીતે આવડે છે. ત્યાર બાદ વડા પ્રધાને તેમની સાથે મરાઠીમાં વાત કરી હતી અને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ તમને મોટી જવાબદારી સોંપવા માંગે છે. ત્યાર બાદ તેમણે રાષ્ટ્રપતિના નિર્ણય અંગે જણાવ્યું હતું. ઉજ્જવલ નિકમે તરત જવાબદારી સ્વીકારવાનો નિર્ણય કરીને ‘હા’માં જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે હું પક્ષ આગેવાનીનો આભાર માનું છું.
નિકમનાં પત્નીએ આનંદ વ્યક્ત કર્યો
રાષ્ટ્રપતિના આ નિર્ણય અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલ નિકમને કોઈને વાત કરવાની ના પાડી હતી, પરંતુ તેમણે ઘરે જઈને પોતાની પત્નીને આ વાત કહી દીધી હતી. ઉજ્જવલ નિકમના પત્ની જ્યોતિ નિકમે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મને ગર્વ છે કે, ઉજ્જવલને આ જવાબદારી આપવામાં આવી છે. વડા પ્રધાને તેમના પર જે વિશ્વાસ મૂક્યો છે, તેના પર તેઓ ખરા ઉતરશે.
આપણ વાંચો: શશીકાંત શિંદે એનસીપી (એસપી)ના વડા તરીકે કાર્યભાર સંભાળે તેવી શક્યતા
આપણી એકતા જ આપણી તાકત છે
દેશની ભાષા અને સાંસ્કૃતિક વિવિધતા અંગે ઉજ્જવલ નકુમે જણાવ્યું કે, “કર્ણાટકમાં હું થોડી ઘણી કન્નડ અને કેરળમાં હું મલાયમલ ભાષાના કેટાલાક વાકયો બોલી લઉં છું. આપણા દેશમાં જુદી-જુદી ભાષાઓ અને ધર્મ છે. આપણે એક થઈને રહેવું જોઈએ. ભારતની લોકશાહી દુનિયામાં અજોડ છે. જે ઘણા લોકોને ગમતું નથી. આપણે ગૌરવ કરવું જોઈએ અને એક વાત પણ યાદ રાખવી જોઈએ કે આપણી એકતા જ આપણી તાકત છે.