ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

BJP Manifesto: વડા પ્રધાન મોદીએ આપી આ ગેરંટીઓ, શું છે GYAN ફોર્મ્યુલા, જાણો કોના માટે શું વચન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha election) ના પહેલા ચરણના મતદાનને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ(BJP)એ આ ચૂંટણી માટે મેનીફેસ્ટો(Manifesto) જાહેર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) એ આજે દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભાજપનો મેનીફેસ્ટો જાહેર કર્યો હતો. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

આ મેનીફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટી ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલા શક્તિ(GYAN) પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભાજપે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનું વચન આપ્યું. લોકસભા ચૂંટણી-2024 માટેના સંકલ્પ પત્ર વિમોચન દરમિયાન, વડા પ્રધાને GYANની ચાર શ્રેણીઓમાંથી એક-એક વ્યક્તિને આ સંકલ્પ પત્ર સોંપ્યો હતો.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે એક વ્યક્તિ, જે આજે વિશ્વાસનો પર્યાય બની ગયો છે… કારણ કે મોદીની ગેરંટી એ ગેરંટી પૂરી કરવાની ગેરંટી છે. આવનારા 5 વર્ષ પણ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના હશે, આ મોદીની ગેરંટી છે.

ભાજપના મેનીફેસ્ટોમાં સમાવિષ્ટ મહત્વના મુદ્દા:

• મફત રાશન યોજના આગામી પાંચ વર્ષમાં ચાલુ રહેશે.
• જનઔષધિ કેન્દ્રોનો વિસ્તાર થશે.
• 5 લાખ સુધીની મફત સારવાર ચાલુ રહેશે.
• 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધોને આયુષ્માન યોજના હેઠળ આવરી લેવામાં આવશે. ભલે તે કોઈ પણ વર્ગનો હોય.
• 3 કરોડ વધુ મકાનો બનાવવાનો સંકલ્પ
• ટ્રાન્સજેન્ડર લોકોને પણ આયુષ્માન યોજનાના દાયરામાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
• છેલ્લા 10 વર્ષ મહિલાઓને સમર્પિત રહ્યા, આગામી પાંચ વર્ષ મહિલાઓની ભાગીદારી અંગેના રહેશે.
• 3 કરોડ બહેનોને લાખપતિ દીદી બનાવવાની ગેરંટી
• ગરીબોની થાળી પોષણથી ભરપૂર હશે.
• ઉજ્જવલા યોજના આગળ પણ ચાલુ રહેશે.
• જન ઔષધિ કેન્દ્રો પર સસ્તી દવાઓ મળતી રહેશે.
• મફત વીજળી યોજના ‘સૂર્ય ઘર’ ચાલુ રહેશે.
• PM કિસાન સન્માન નિધિ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
• દેશમાં ડેરી સહકારી મંડળીઓની સંખ્યા પણ વધારવામાં આવશે.
• રોજગારની ગેરંટી
• વર્ષ 2036માં ઓલિમ્પિક્સનું આયોજન
• મહિલા અનામતનો અમલ કરવાનું વચન
• કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ
• માછીમારો માટે યોજના
• ઈ-શ્રમ દ્વારા કલ્યાણકારી યોજનાનો લાભ
• યોગનું સત્તાવાર પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવશે
• 2025 આદિવાસી ગૌરવ વર્ષ તરીકે ઉજવાશે
• દરેક ક્ષેત્રમાં ઓબીસી-એસસી-એસટીનું સન્માન
• ભારતને વૈશ્વિક ઉત્પાદન હબ બનાવવાની તૈયારી
• સમગ્ર વિશ્વમાં રામાયણ ઉત્સવ ઉજવાશે
• અયોધ્યાનો વિકાસ
• વન નેશન, વન ઇલેક્શન
• રેલવેમાં વેઇટિંગ લિસ્ટની સમસ્યા દૂર કરવામાં આવશે
• ઉત્તર પૂર્વ ભારતનો વિકાસ
• AI, સેમિકન્ડક્ટર અને સ્પેસ સેક્ટરમાં વિકાસ કરવો

આ દરમિયાન હાજર રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે 2014માં જ્યારે વડાપ્રધાન મોદી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘અમારી સરકાર ગરીબો, ગામડાઓ અને સમાજના છેલ્લા સ્થાને ઉભેલા વ્યક્તિને સમર્પિત છે. તેને અમલમાં મૂકીને, છેલ્લા 10 વર્ષોમાં, વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં, દેશે આ તમામ પરિમાણોને આગળ વધારવાનું કામ કર્યું છે.’

Read here the full BJP’s manifesto for Lok Sabha elections 2024 in Hindi and English:

નડ્ડાએ કહ્યું કે આજે પીએમ આવાસ યોજના હેઠળ 4 કરોડ કાયમી મકાનો બનાવવામાં આવ્યા છે અને આ કામ આગળ પણ ચાલુ રહેશે. આજે 50 કરોડ જનધન ખાતાઓમાંથી 55.5% જનધન ખાતા મહિલાઓના નામે ખોલવામાં આવ્યા છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે મને આનંદ છે કે મોદીજીના નેતૃત્વમાં અમે દેશવાસીઓને આપેલા દરેક વચનને પૂરા કર્યા છે. 2014 હોય કે 2019નો મેનિફેસ્ટો, મોદીજીના નેતૃત્વમાં અમે દરેક સંકલ્પને પૂરો કર્યો છે.

લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. લોકસભા ચૂંટણી માટે દેશમાં સાત તબક્કામાં 19 અને 26 એપ્રિલ, 7, 13, 20 અને 25 મે અને 1 જૂને મતદાન થશે. 4 જૂને પરિણામ જાહેર થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button