ટોપ ન્યૂઝ

વડા પ્રધાન મોદી મધ્યપ્રદેશને આપશે મોટી ભેટ; વાજપેયીનું સપનું સકાર થશે

ભોપાલ: આજે બુધવારે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ છે, આ અવસર વડા પ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશ (PM Modi in Madhya Pradesh)ને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. આજે વડા પ્રધાન મોદી કેન-બેતવા રિવર લિંકિંગ નેશનલ પ્રોજેક્ટ (Ken-Betva river linking project)નો શિલાન્યાસ કરશે. નદીઓને એકબીજા સાથે જોડવાનો આ પ્રોજેક્ટ દેશનો પ્રથમ પ્રોજેક્ટ હશે. આ પ્રોજેક્ટ થી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના લાખો ખેડૂતોને સિંચાઈની સુવિધા મળશે.

મધ્યપ્રદેશના 10 જિલ્લાના લગભગ 44 લાખ અને યુપીના લગભગ 21 લાખ લોકોને પીવાનું પાણી મળશે. વધુમાં, આ યોજના હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની મદદથી 100 મેગાવોટથી વધુ ગ્રીન એનર્જીમાં પણ યોગદાન આપશે.

વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન મોદી બુધવારે બપોરે ખજુરાહો ખાતે અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આમાં કેન-બેતવા રિવર લિંકિંગ નેશનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ સામેલ છે.

ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ શરુ થશે:
ઊર્જા સ્વાવલંબન અને ગ્રીન એનર્જી પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને અનુરૂપ, વડા પ્રધાન મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ઓમકારેશ્વર ખાતે સ્થાપિત ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરશે અને વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના સરકારના મિશનમાં યોગદાન આપશે. આ પ્રોજેક્ટ પાણીના બાષ્પીભવનને ઘટાડીને પાણીના સંરક્ષણમાં પણ મદદ કરશે.

અટલ બિહારી વાજપેયીનું સન્માન:
અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિના અવસર પર વડા પ્રધાન મોદી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે. તેઓ 1,153 અટલ ગ્રામ ગુડ ગવર્નન્સ બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કરશે. આ ઇમારતો સ્થાનિક સ્તરે સુશાસન માટે ગ્રામ પંચાયતોના કાર્યો અને જવાબદારીઓની વ્યવહારિક કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવશે.

વાજપેયીનું સપનું પૂરું થશે:
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ દેશની નદીઓને જોડવાનું સ્વપ્ન જોયું હતું, જે હવે સાકાર થવા જઈ રહ્યું છે. 2002માં તત્કાલીન વાજપેયી સરકારે આ દિશામાં કામ શરૂ કર્યું હતું, પરંતુ પછીથી આ યોજના અટકી ગઈ. મોદી સરકારની પહેલ પર, 22 માર્ચ, 2021 ના રોજ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય જળ શક્તિ પ્રધાને કેન-બેતવા પ્રોજેક્ટ માટે ત્રિપક્ષીય એમઓયુ પર હસ્તાક્ષર કર્યા.

Also Read – કોંગ્રેસે બાબાસાહેબનું સ્મારક બનવા દીધું નહીં: યોગીના કોંગ્રેસ પર પ્રહારો…

કેવો હશે પ્રોજેક્ટ:
પ્રોજેક્ટ હેઠળ, પન્ના ટાઇગર રિઝર્વમાં કેન નદી પર 77 મીટર ઊંચો અને 2.13 કિલોમીટર લાંબો દૌધન ડેમ અને બે ટનલ બનાવવામાં આવશે. ડેમ 2,853 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ કરી શકશે. કેન નદીનું વધારાનું પાણી ડેમમાંથી 221 કિલોમીટર લાંબી લિંક કેનાલ દ્વારા બેતવા નદીમાં મોકલવામાં આવશે. મધ્યપ્રદેશના પન્ના, દમોહ, છતરપુર, ટીકમગઢ, નિવારી, સાગર, રાયસેન, વિદિશા, શિવપુરી અને દતિયાના 8.11 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા વધશે. મહોબા, ઝાંસી, લલિતપુર અને બાંદા જિલ્લાના લોકોને યુપીમાં 59,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા વધારવાનો ફાયદો થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button