ઝારખંડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના ટાટા નગર જંક્શન રેલવે સ્ટેશન પરથી છ વંદે ભારત ટ્રેનને (Vande Bharat Express) લીલી ઝંડી બતાવી હતી. આ છ નવી ટ્રેનો ટાટા નગર-પટના, બ્રહ્મપુર-ટાટા નગર, રાઉરકેલા-હાવડા, દેવઘર-વારાણસી, ભાગલપુર-હાવડા અને ગયા-હાવડા વચ્ચે દોડશે.
યાત્રાળુઓને સરળતા રહેશે
આ નવી વંદે ભારત ટ્રેનો તીર્થયાત્રીઓને દેવઘરમાં બૈદ્યનાથ ધામ, વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર, કાલીઘાટ અને કોલકાતાના બેલુર મઠ જેવા ધાર્મિક સ્થળોએ ઝડપથી પહોંચવામાં મદદ કરશે. આ ઉપરાંત આ ટ્રેનો ધનબાદમાં કોલ માઇનિંગ ઉદ્યોગ, કોલકાતામાં જૂટ ઉદ્યોગ અને દુર્ગાપુરમાં લોખંડ અને સ્ટીલ ઉદ્યોગને પણ વેગ આપશે.
પ્રથમ વંદે ભારત 15 ફેબ્રુઆરી, 2019 ના રોજ શરૂ કરાઇ
પહેલી વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન 15 ફેબ્રુઆરી, 2019ના રોજ થયું હતું. રેલવે મંત્રાલયે કહ્યું કે આ ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં સક્ષમ છે. જે લાખો મુસાફરોને મુસાફરીનો અનોખો અનુભવ પ્રદાન કરે છે. મંત્રાલયે કહ્યું કે, ભારતીય રેલ્વે વંદે ભારત ટ્રેનના કાફલાના વિસ્તરણ સાથે નોંધપાત્ર પરિવર્તનનો અનુભવ કરી રહી છે. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘મેક ઇન ઈન્ડિયા’ અભિયાનના મુખ્ય પ્રોજેક્ટ તરીકે આ સેમી-હાઈ સ્પીડ ટ્રેનો આધુનિક, કાર્યક્ષમ અને વિશ્વ-કક્ષાની રેલ સિસ્ટમ માટેની ભારતની મહત્વાકાંક્ષાનું પ્રતીક છે.
3.17 કરોડથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડી
મંત્રાલયે જણાવ્યું હતું કે, 14 સપ્ટેમ્બર, 2024 સુધી 54 ટ્રેન સેટના સાથે વંદે ભારતે કુલ અંદાજે 36,000 મુસાફરી પૂર્ણ કરી છે અને 3.17 કરોડથી વધુ મુસાફરોને શ્રેષ્ઠ મુસાફરીનો અનુભવ આપ્યો છે. મંત્રાલયે કહ્યું, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવાઓ સાથે ભારતીય રેલ્વે ભારતમાં મુસાફરીમાં ક્રાંતિ લાવવાના માર્ગે છે. આ ટ્રેનો માત્ર ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલની સફળતાને જ પ્રતિબિંબિત નથી કરતી પરંતુ ઝડપની દ્રષ્ટિએ પણ નવીન છે.
આ પણ વાંચો – PM Modi Gujarat Visit:પીએમ મોદી આજથી ગુજરાતના પ્રવાસે, મેટ્રો ટ્રેનના બીજા ફેઝનું લોકાર્પણ કરશે