નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 દિવસમાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ 29 કાર્યક્રમોમાં હાજરી આપવાના છે અને આને લોકસભાની ચૂંટણીની જાહેરાતના સંકેત તરીકે જોવામાં આવે છે.
વડા પ્રધાનના કાર્યક્રમમાં તેઓ તેલંગણા, તમિલનાડુ, ઓરિસા, પશ્ર્ચિમ બંગાળ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીની મુલાકાત લેવાના છે. સોમવારે તેઓ તેલંગણાના આદિલાબાદમાં વિવિધ વિકાસના પ્રોજેક્ટનું અનાવરણ કરશે. ત્યારબાદ તેઓ તામિલનાડુના કલ્પક્કમ ખાતે ભારતીય નાભીકીય વિદ્યુત નિગમ લિ. (ભાવિની)ની મુલાકાત લેશે. તેઓ આદિલાબાદ અને ચેન્નઈમાં જાહેર સભાને સંબોધશે.
પાંચમી માર્ચના રોજ તેઓ તેલંગણાના સંગારેડ્ડીમાં કેટલાક પ્રોજેક્ટ શરૂ કરશે અને ઓરિસામાં જવા પહેલાં એક સભાને સંબોધશે. ઓરિસામાં તેઓ વિવિદ કામનો શિલાન્યાસ કરશે અને અનેક પ્રોજેક્ટ શરૂ કરશે. ઓરિસાના ચાંદીખોલેમાં તેઓ જાહેરસભાને સંબોધશે.
ત્યાંથી તેઓ પશ્ર્ચિમ બંગાળ જવા રવાના થશે.
છઠ્ઠી માર્ચે તેઓ કોલકાતામાં વિકાસના પ્રોજેક્ટનું અનાવરણ કરશે અને બારાસાતમાં એક સભાને સંબોધશે. ત્યાંથી તેઓ બિહાર જશે અને ત્યાં બેતિયાઅનેક વિકાસ કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
વડા પ્રધાન સાતમી માર્ચે જમ્મુ અને કાશ્મીર જશે અને તે જ સાંજે તેઓ દિલ્હીમાં એક મીડિયા ઈવેન્ટમાં હાજરી આપશે.
આઠમી માર્ચે તેઓ પહેલા નેશનલ ક્રિએટર્સ એવોર્ડમાં હાજરી આપશે અને ત્યાંથી સાંજે તેઓ આસામ જવા માટે રવાના થઈ જશે.
અરુણાચલ પ્રદેશન પશ્ર્ચિમ કામેન્ગમાં સેલા ટનલ નું ઉદ્ઘાટન કરશે અને પછી ઈટાનગરમાં અનેક વિકાસકામોનું અનાવરણ કરશે, એમ તેમની કચેરીના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે.
ત્યારબાદ તેઓ આસામના જોરહાટમાં દંતકથાસમાન અહોમ આર્મીના કમાન્ડર લચિત બોરફુકાનની પ્રતિમાનું અનાવરણ કરશે. ત્યારબાદ તેઓ જોરહાટમાં અનેક વિકાસ કામોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
તેઓ પશ્ર્ચિમ બંગાળની પણ મુલાકાત લેશે અને સિલિગુડીમાં અનેક વિકાસ કામોની શરૂઆત કરશે તેમ જ જાહેર સભાને પણ સંબોધશે.
10 માર્ચે મોદી ઉત્તર પ્રદેશમાં આઝમગઢ ખાતે અનેક પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. તેઓ દિલ્હીમાં બીજા દિવસે ‘નમો ડ્રોન દીદી’ અને ‘લખપતિ દીદી’ પ્રોજેક્ટ સંબંધી કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ દ્વારકા એક્સપ્રેસ-વેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કરશે. સાંજે તેઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના કાર્યક્રમમાં હાજરી આપશે.
12મી માર્ચે તેઓ ગુજરાતના સાબરમતી અને રાજસ્થાનના પોખરણની મુલાકાત લેશે. 13મી માર્ચે તેઓ ત્રણ મહત્ત્વના સેમી-ક્ધડક્ટર પ્રોજેક્ટનું ગુજરાત અને આસામમાં શિલાન્યાસ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે.
તેઓ વંચિત સમાજના લોકો માટેના સહાયતા કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજરી આપે એવી શક્યતા છે, એવી માહિતી અધિકારીઓએ આપી હતી.
એપ્રિલ-મેમાં અપેક્ષિત લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન મોદી લાકો કરોડોના વિકાસ કામો વિવિધ સ્થળે ચાલુ કરાવી રહ્યા છે. તેમની સરકારના વિકાસના એજેન્ડા અને કલ્યાણકારી કામો પર આગામી દસ દિવસમાં ભારે ધ્યાન આપવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે. (પીટીઆઈ)