IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ડ્રેસિંગ રૂમમાં પહોંચીને આ ખેલાડીને પીએમ મોદીએ આપ્યું નવું નામ, જાણો શું કહ્યું…

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે રમાયેલી ફાઈનલ મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. પરંતુ આખી ટુર્નામેન્ટ દરમિયાન અજેય રહેલી ભારતીય ટીમને ફાઈનલના દિવસે હારનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી ક્રિકેટપ્રેમીઓમાં તો નિરાશાનો માહોલ જોવા મળ્યો જ હતો, પરંતુ એની સાથે સાથે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગરૂમમાં પણ વાતાવરણ એકદમ ગમગીન હતું.

આ બધા વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી અચાનક જ ડ્રેસિંગરૂમ પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે ખેલાડીઓને ચિયર અપ કરવાનો પ્રયાસ કર્યો હતો. ટીમના કોચ રાહુલ દ્રાવિડને શોધતાં તેમણે સવાલ કર્યો હતો કે અરે ક્યાં છે રાહુલ? આટલું સાંભળીને રાહુલ આગળ આવે છે અને પીએમ સાથે શેકહેન્ડ કરે છે. પીએમ મોદીએ રાહુલને સંબોધતાં કહ્યું હતું કે અરે તમે તૈયારી ખૂબ જ સારી કરી હતી પણ ઠીક છે…

ડ્રેસિંગ રૂમમાં જઈને તેમણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીના ખભે હાથ મૂકીને તેમને સાંત્વના આપતા કહ્યું હતું કે કંઈ વાંધો નહીં. તમે લોકો સળંગ 10-10 મેચમાં જિત હાંસિલ કરી છે અને એ કંઈ નાની વાત નથી. આજે આખો દેશ તમને જોઈ રહ્યો છે. તમે લોકોએ મહેનત તો જબરજસ્ત કરી હતી. તમે લોકો ટીમના અન્ય ખેલાડીઓને સધિયારો આપો અને તેમને ફરી એક વખત જોમ અને જુસ્સાથી ભરી દો.

આગળ વધીને પીએમ મોદી ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર પ્લેયર રવિન્દ્ર જાડેજાને મળ્યા હતા અને તેની સાથે શેકહેન્ડ કરતાં કહ્યું કે બાપુ કેમ છો? ઢીલો ના પડતો તું… આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે પીએમ મોદીએ રવીન્દ્ર જાડેજાને નવું નામ આપ્યું હતું.

વડાપ્રધાન મોદીએ રવિન્દ્ર જાડેજાને નવુ નામ આપ્યુ હતુ. તેમણે રવિન્દ્ર જાડેજાને ‘બાપુ’ કહીને બોલાવ્યા હતા.મહત્વનું છે કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાંથી આવતા લોકોને બાપુ કહીને બોલાવવામાં આવે છે. રવિન્દ્ર જાડેજા પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. જેથી PM મોદીએ તેમને બાપુ કહીને સંબોધ્યા હતા.

ત્યાર બાદ આગળ વધીને ટુર્નામેન્ટમાં ઓછી મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર મોહમ્મદ શમીને ગળે લગાડીને કહ્યું અરે શમી તમે એકદમ ગજબ રમત દેખાડી છે લોકો. કંઈ વાંધો નહીં. રમતમાં હાર-જિત તો ચાલ્યા કરે.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર બુમરાહ સાથે હાથ મિલાવીને વાતાવરણને હળવું કરવાનો પ્રયાસ કરતાં પીએમ મોદીએ તેને પૂછ્યું હતું કે તું તો ગુજરાતી બોલતો હોઈશ ને? જેના જવાબમાં બુમરાહે હસીને કહ્યું થોડું થોડું… આ જવાબ સાંભળીને પીએમ મોદી હસી પડ્યા હતા અને કહ્યું હતું કે તારું તો ઘર છે આ… (અત્રે ઉલ્લેખનીય છે કે બુમરાહ અમદાવાદમાં જ રહે છે)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button