deepfake ટેકનોલોજી અંગે પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આ પ્રકારના વીડિયોને કારણે સમાજમાં અશાંતિ અને અરાજકતા ફેલાઇ શકે છે. deepfake ટેકનોલોજીથી લોકોને મોટું જોખમ છે તેવું પીએમ મોદીએ તેમના નિવેદનમાં કહ્યું છે.
ટેકનોલોજી અને આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ સાયબર ક્રાઇમ કરતા લોકો માટે જાણે હાથવગું સાધન બની ગઇ છે. કોઇપણ તસવીર-વીડિયો સાથે અલગ અલગ ટુલ્સની મદદથી છેડછાડ કરી તેને નવું જ રૂપ આપવામાં આવે છે. જે વ્યક્તિને ટાર્ગેટ કરવા હોય તેની તસવીરોને મોર્ફ કરીને અન્ય કોઇ વ્યક્તિના ચહેરા પર લગાવી દેવાય છે જેથી જોનારને લાગે છે કે તે વીડિયોમાં ખરેખર ટાર્ગેટેડ વ્યક્તિ જ છે. હાલમાં જ વાઇરલ થયેલા રશ્મિકા મંદાનાના વીડિયોમાં આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડીપફેકને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે લોકોએ deepfake ટેકનોલોજીથી સાવધ રહેવાની જરૂર છે. ડીપફેક સમાજમાં અશાંતિ પેદા કરી શકે છે. જનરેટિવ એઆઇના માધ્યમથી તૈયાર થયેલી તસવીરો કે વીડિયોની શરૂઆતમાં ડિસ્ક્લેમર હોવું જોઇએ કે આ વીડિયો ડીપફેકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે લોકો અને મીડિયાને ડીપફેકથી સતર્ક રહેવાની ખાસ જરૂર છે, આ પછી તેમણે પોતાના જ એક વીડિયોનો ઉલ્લેખ કર્યો, “મેં મારો એક વીડિયો જોયો જેમાં હું ગરબા કરી રહ્યો છું, એ વીડિયો ખૂબ જ વાસ્તવિક લાગી રહ્યો હતો, જો કે મેં આજસુધી ક્યારેય ગરબા કર્યા જ નથી.” પીએમ મોદીએ જણાવ્યું હતું.
ગત મહિને સોશિયલ મીડિયા પર પીએમ મોદી ગરબા કરતા હોય તેવો એક વીડિયો ખૂબ વાઇરલ થયો હતો. આ વીડિયો જોઇને સૌકોઇએ આશ્ચર્ય અનુભવ્યું હતું. રશ્મિકા મંદાન સહિત કેટરીના કૈફનો ટાઇગર-3 ફિલ્મના એક દ્રશ્યનો ફેક ફોટો વાઇરલ થયો. એ પછી સારા તેંડુલકર-શુભમન ગીલના મોર્ફ કરેલા ફોટો વાઇરલ થયા. ડીપફેકનો ઉપયોગ પહેલા પણ થતો હતો પરંતુ AI ટેકનોલોજી બાદ આવી ઘટનાઓ વધી છે.