
નવી દિલ્હીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. મન કી બાતનો આ 110મો એપિસોડ છે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ મહિલા શક્તિના યોગદાનને શ્રદ્ધાંજલિ આપી હતી. PMએ કહ્યું કે આજે ભારતની મહિલા શક્તિ દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશ 8 માર્ચે મહિલા સન્માન દિવસની ઉજવણી કરશે. દેશ ત્યારે જ સમૃદ્ધ થશે જ્યારે મહિલાઓને સમાન તકો મળશે. કેટલાક વર્ષો પહેલા સુધી કોણે વિચાર્યું હશે કે આપણા દેશમાં ગામડાઓમાં રહેતી મહિલાઓ પણ ડ્રોન ઉડાવશે, પરંતુ આજે તે શક્ય બની રહ્યું છે. આજે મહિલા શક્તિ દરેક ક્ષેત્રમાં આગળ છે. મોદીએ જણાવ્યું હતું કે થોડા દિવસો બાદ આપણે આઠ માર્ચે મહિલા દિનની ઉજવણી કરીશું. આ ખાસ દિવસ દેશના વિકાસમાં મહિલાઓના યોગદાનને બિરદાવવાનો દિવસ છે. પીએમ મોદીએ દેશભરમાં નોંધપાત્ર કામ કરનાર વિવિધ ક્ષેત્રોની મહિલાઓ સાથે પણ વાત કરી હતી.
પીએમએ કહ્યું કે અસંખ્ય લોકો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવવા માટે નિઃસ્વાર્થ પ્રયાસો કરી રહ્યા છે તે જોઈને આનંદ થાય છે. જમ્મુ અને કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને કર્ણાટકમાં નાગરિકોના પ્રયાસો દરેકને પ્રેરણા આપે છે. તે જ સમયે, દેશના યુવાનોનો અવાજ જે કન્ટેન્ટ બનાવી રહ્યા છે તે આજે ખૂબ જ અસરકારક બન્યો છે. તેમની પ્રતિભાને માન આપવા માટે દેશમાં નેશનલ ક્રિએટર્સ એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે.
મન કી બાત કાર્યક્રમના 110માં એપિસોડમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે હવે આગામી ત્રણ મહિના સુધી મન કી બાત નહીં થાય. લોકસભાની ચૂંટણીને કારણે માર્ચ મહિનાથી આચારસંહિતા લાગુ થઇ જશે. જોકે, તેમણે ‘મન કી બાત’ના 111મા એપિસોડમાં ત્રણ મહિના બાદ મળવાનો પાક્કો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, આગામી સમયમાં મન કી બાત કાર્યક્રમની શરુઆત 111ના શુભ અંક સાથે થશે. તો આનાથી વધુ સારું ભલા શું હોઈ શકે!