મેલબોર્નઃ ગઇકાલ રાત્રિએ ભારતનાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું દેહાંત થયું છે. આ દરમિયાન મેલબોર્નના મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ચોથી મેચના બીજા દિવસની શરૂઆત સાથે જ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ મેદાન પર કાળી પટ્ટી પહેરીને રમવા આવ્યા હતા. મહાન અર્થશાસ્ત્રી અને દેશના બે વખતના વડાપ્રધાન મનમોહન સિંહના દેહાંતથી સમગ્ર દેશ શોકમાં છે, આથી તેમના પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવા ભારતીય ટીમે મેદાન પર કાળી પટ્ટી પહેરીને મેચની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો : પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધનથી દેશમાં શોકની લહેર, જાણો ખાસ વાતો
રમત-જગતના ખેલાડીઓએ પણ આપી શ્રદ્ધાંજલિ
ડૉ. મનમોહન સિંહ મહાન અર્થશાસ્ત્રી હતા. 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાનનાં પદ પર તેમણે સેવા આપી હતી. તેમના નિધન પર જ્યારે ટીમ ઈન્ડિયા કાળી પટ્ટી પહેરીને મેદાન પર રમવા ઉતરી છે, ત્યારે રમત જગતના અન્ય ઘણા પૂર્વ ખેલાડીઓએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
જેમાં વીરેન્દ્ર સેહવાગ, હરભજન અને યુવરાજ સિંહનું નામ સામેલ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા સેહવાગે લખ્યું, “આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહ જીના નિધન પર મારી દિલથી સંવેદના.” ઓમ શાંતિ. હરભજન સિંહે લખ્યું કે તેઓ પૂર્વ વડાપ્રધાન, એક સજ્જન અને દૂરંદેશી નેતા ડૉ. મનમોહન સિંહના આકસ્મિક નિધનના સમાચારથી દુખી છે.