અમરેલીઃ અમરેલી લેટર કાંડમાં ધરપકડ કરવામાં આવેલી પાયલ ગોટીએ જેલમાંથી બહાર આવ્યાના બે દિવસ બાદ સનસનાટીભર્યું નિવેદન આપ્યું હતું. તેણે પોલીસે માર માર્યો હોવાનો આરોપ લગાવતાં ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત તેણે કહ્યું, મારે પોલિટિક્સ સાથે કોઈ લેવા દેવા નથી. મેં કોઈ ગુનો નથી કર્યો. બનાવટી લેટર પેડની એફએસએલ તપાસ થવી જોઈએ, એફએસએલમાં સત્ય બહાર આવશે.
આ પણ વાંચો : લેટરકાંડઃ હર્ષ સંઘવી કેમ તાબડતોડ આવ્યાં અમરેલી? પરેશ ધાનાણીનો સળગતો સવાલ
શું હતો સમગ્ર મામલો
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઇરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત ચાર કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : WATCH: કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ; ત્રણ લોકોના મૃત્યુના અહેવાલ
પોલીસે લેટર કાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતી પાયલ ગોટીનું સરઘસ કાઢ્યું હતું, જેનો ભારે વિરોધ થયો હતો. જે બાદ ત્રીજી જાન્યુઆરીએ આ પાટીદાર યુવતીની જામીન અરજીને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે યુવતીના જામીન મંજૂર કર્યા હતા. સેશન્સ કોર્ટે 15 હજારના બૉન્ડ પર પાયલ ગોટીને રેગ્યુલર જામીન આપ્યા હતા.