પુરુષોત્તમ રૂપાલાના મામલે ડેમેજ કંટ્રોલ કરવા માટે પાટીલની ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
ગુજરાત ભાજપના અગ્રણી નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી અભદ્ર ટિપ્પણી ભાજપ માટે માથાના દુખાવા સમાન બની છે. રૂપાલાએ બે વખત માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. અમદાવાદ સહિત સમગ્ર અમદાવાદમાં ક્ષત્રિય સમાજના લોકો રેલીઓ અને ધરણા પ્રદર્શનો કરી પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
આ દરમિયાન ગાંધીનગરમાં રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ પાટીલના બંગલે ખાસ ડેમેજ કંટ્રોલ કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી.આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, સંગઠન મંત્રી રન્નાકર, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ, બળવંતસિંહ રાજપૂત, આઇ.કે. જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા, તેમણે આ આ મામલાના ઉકેલ માટે ગંભીર ચર્ચા-વિચારણા કરી હતી.
આ પણ વાંચો : પુરુષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયોનો રોષ યથાવત, આ શહેરોમાં લાગ્યા “રૂપાલા હટાવો”ના બેનર
ભાજપના અગ્રણી ક્ષત્રીય નેતાઓ સાથે બેઠક કર્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, “છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પરની એક ટિપ્પણીને કારણે સમાજમાં રોષ ફેલાયો છે. ત્રણ વખત માફી માગી છતાં રોષ ઓછો થતો નથી. ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે. ભૂલ માટે વારંવાર માફી માગી છે, તેને ક્ષત્રિય સમાજ માફ કરી દે. આજે ભાજપના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, કેસરીસિંહ, મહેન્દ્રસિંહ, આઇકે જાડેજા, બલવંતસિંહની આગેવાનીમાં મુખ્યમંત્રી અને સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં અમે બેઠક યોજી હતી. હવે તેમણે માફી માગી છે તો ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને તેમને માફ કરી દે.”
સી.આર.પાટીલે પાટીલે વધુમાં જણાવ્યું કે, “ક્ષત્રિય સમાજની 92 લોકોની સંકલન સમિતિ છે. આ સંકલન સમિતિની આવતીકાલે 3 વાગ્યે બેઠક મળશે. જેમાં રોષ સાંભળવામાં આવશે અને સમજાવશે. ધીમે ધીમે વાતાવરણ સરળ બને તેના માટે પ્રયત્ન કરશે, આજે અમારી બેઠક અઢી ત્રણ કલાક ચાલી છે અને કોને મળવું તથા કેવી રીતે મળવું તેની જવાબદારીઓ નક્કી થઈ છે. જલદીથી નિવેડો આવે તેના માટે ભાજપ તરફથી પણ પ્રયાસો શરૂ થયા છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતિ છે. ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને માફ કરી દે અને ક્ષત્રિયો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે અને પાર્ટી સાથે જોડાઈ એવી વિનંતિ કરું છું. જ્યારે ઉમેદવાર બદલવા કોઈ વિચારણા કરી છે? એવા સવાલના જવાબમાં પાટીલે કહ્યું કે, ના એવી કોઈ વિચારણા કરી નથી.?