
આવતીકાલથી શરૂ થનારા સંસદના બજેટ સત્ર પહેલા શિયાળુ સત્રમાં સસ્પેન્ડ થયેલા સાંસદોનું સસ્પેન્શન રદ થઇ રહ્યું છે. ગત શિયાળુ સત્રમાં લોકસભા અને રાજ્યસભા મળીને કુલ 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ 146માંથી 132 સાંસદોને ફક્ત શિયાળુ સત્ર માટે જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તે સત્ર પુરુ થયા બાદ આપોઆપ સસ્પેન્શન પણ રદ થઇ ગયું ગણાય. બાકીના 14 સાંસદોને વિશેષાધિકાર સમિતિઓ આદેશ આપે ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ 14 સાંસદોમાં 3 લોકસભાના અને 11 રાજ્યસભાના સાંસદો હતા. સંસદની વિશેષાધિકાર સમિતિ દ્વારા જ્યાં સુધી આ સાંસદોના કેસ અંગે યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. લકોસભાની વિશેષાધિકાર સમિતિએ 11 જાન્યુઆરીના રોજ લોકસભા સાંસદોનું સસ્પેન્શન રદ કરી દીધું હતું. તેમજ રાજ્યસભા સાંસદોનું સસ્પેન્શન મંગળવારે રદ કરી દેવામાં આવ્યું હતું.
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિના સંબોધન સાથે શરૂ થશે અને લગભગ 9 ફેબ્રુઆરી સુધી ચાલી શકે છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આ સત્રમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. દેશમાં લોકસભા ચૂંટણી યોજાઇ જાય એ પછી નવી સરકારના નાણાપ્રધાન ફરીવાર આખું બજેટ રજૂ કરશે.