ટોપ ન્યૂઝનેશનલ

પાકિસ્તાને વડા પ્રધાન મોદીને મોકલ્યું આમંત્રણ, પાકિસ્તાનમાં યોજાશે આ મહત્વની સમિટ…

નવી દિલ્હી: વિભાજન બાદથી જ ભારત અને પાકિસ્તાન(Pakistan) બંને પાડોશી દેશો વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થપાઈ શક્યા નથી. પાકિસ્તાનની સત્તાના આશ્રય હેઠળ ઉછરી રહેલા આતંકવાદી જૂથો છેલ્લા કેટલાક વર્ષોથી સતત ભારત વિરોધી પ્રવૃતિઓ કરી રહ્યા છે, જેના કારણે છેલ્લા દસ વર્ષથી બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીત લગભગ બંધ થઈ ગઈ છે. જો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એક વખત અચાનક પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા, એવામાં વડા પ્રધાન મોદી વધુ એક વખત પાકિસ્તાનની મુલાકાતે જઈ શકે છે.

આ પણ વાંચો : PM Modi સપ્ટેમ્બર માસમાં અમેરિકાની મુલાકાતે, ન્યૂયોર્કમાં 24 હજાર ભારતીયોને સંબોધશે…

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતના વડા પ્રધાન મોદીને પાકિસ્તાનની મુલાકાત માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ(SCO summit)માં ભાગ લેવા માટે આ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

ઓક્ટોબર મહિનામાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં શાંઘાઈ SCO સમિટ યોજાવાની છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે વડાપ્રધાન મોદીને તેની બેઠકમાં હાજરી આપવાનું આમંત્રણ મોકલ્યું છે. પીએમ મોદી ઉપરાંત અન્ય SCO સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને પણ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

આ પણ વાંચો : યુક્રેનથી પરત ફરતી વખતે 46 મિનિટ સુધી પાકિસ્તાનમાં રહ્યું PM Modiનું પ્લેન, ચર્ચાઓ શરૂ…

અહેવાલો અનુસાર પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે(Mumtaz Zahra Baloch) આ મામલે માહિતી આપી છે. મુમતાઝ બલોચે કહ્યું છે કે 15-16 ઓક્ટોબરે યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે સભ્ય દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ અંતર્ગત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

પાકિસ્તાનના આમંત્રણ બાબતે ભારત સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. ગયા વર્ષે ભારતે SCO ની સમિટની અધ્યક્ષતા કરી હતી, જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો હતો. આવી સ્થિતિમાં એ જોવું રહેશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનનું આમંત્રણ સ્વીકારે છે કે નહીં,

વડા પ્રધાન મોદી આમંત્રણ સ્વીકારી પાકિસ્તાન જાય અને બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબધો ફરીથી સ્થપાય તેવી આશા છે.

SCOમાં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે. ઉલ્લેખનીય છે કે ઈસ્લામાબાદમાં યોજાનારી મુખ્ય સમિટ પહેલા સભ્ય દેશોના પ્રધાનોની મહત્વપૂર્ણ બેઠક પણ યોજાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button