‘પાકિસ્તાનને ફેક ન્યુઝ ફેલાવાની આદત છે…’ કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાનું UNમાં નિવેદન
ન્યુ યોર્ક: કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ યુનાઈટેડ નેશન્સ(UN)ના મંચથી પાકિસ્તાનને ખરીખોટી (Rajiv Shuklas speech in UN) સંભળાવી હતી. વારંવાર કાશ્મીરનો મુદ્દો બિનજરૂરી રીતે ઉઠાવવા બદલ રાજીવ શુક્લાએ પાકિસ્તાનની ટીકા કરી છે. યુએનમાં સંબોધન આપતા રાજીવ શુક્લાએ કહ્યું કે પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ કાશ્મીરનો મુદ્દો બિનજરૂરી રીતે ઉઠાવે છે અને જુઠ્ઠાણા ફેલાવે છે, જ્યારે વાસ્તવિકતા ઘણી અલગ છે.
રાજીવ શુક્લાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં પૂર્ણ થયેલી મુક્ત અને ન્યાયી વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતદાન થયું છે. શુક્લાએ સંયુક્ત રાષ્ટ્રમાં માહિતીના અધિકારના મહત્વ અને તેમાં ભારતની ભૂમિકા વિશે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા.
પાકિસ્તાનને ફટકાર લગાવતા રાજીવ શુક્લાએ કહ્યું, ‘પાકિસ્તાનના પ્રતિનિધિમંડળે ફરી એકવાર આ મંચનો ઉપયોગ જુઠ્ઠાણા અને ફેક ન્યૂઝ ફેલાવવા માટે કર્યો છે. ફેક ન્યુઝ ફેલાવવા એ આ પ્રતિનિધિમંડળની આદત બની ગઈ છે. હું એક વાત સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે વાસ્તવિક લોકશાહી ધરવતા દેશો અલગ રીતે કામ કરે છે. જમ્મુ અને કાશ્મીરના લોકોએ તાજેતરમાં પૂર્ણ થયેલી મુક્ત અને ન્યાયી ચૂંટણીમાં રેકોર્ડ સંખ્યામાં મતદાન કર્યું હતું. ગમે તેટલા ફેક ન્યૂઝ ફેલાવવામાં આવે, વાસ્તવિકતા બદલી શકાતી નથી.’
Also read:વીમા કંપનીઓને ઝટકો! LMV લાયસન્સ ધારકો અંગે સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
પાકિસ્તાની પ્રતિનિધિમંડળને સલાહ આપતા રાજીવ શુક્લાએ કહ્યું, ‘હું આ પ્રતિનિધિમંડળને કહેવા માંગુ છું કે તે તેના વિભાજનકારી રાજકીય એજન્ડાને બદલે વધુ રચનાત્મક રીતે ચર્ચામાં ભાગ લેવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે.’રાજીવ શુક્લાએ કહ્યું કે ભારત ફેક ઇન્ફોર્મેશન સામેના અભિયાનમાં UNને સમર્થન આપતું રહેશે. નોંધનીય છે કે પાકિસ્તાન યુએન પ્લેટફોર્મ પર વારંવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહે છે.