
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશનો માહોલ છે. આ દરમિયાન, રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે દિલ્હીમાં સંસ્કૃતિ જાગરણ મહોત્સવમાં પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. રાજનાથ સિંહે કહ્યું કે દેશ સામે આંખ ઉંચી કરનારાઓને યોગ્ય જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે દેશના રક્ષા મંત્રી તરીકે આપણી સરહદોનું રક્ષણ કરવાની જવાબદારી મારી છે.
નરેન્દ્ર મોદી દુશ્મનને એ જ ભાષામાં જવાબ આપશે
કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દુશ્મનને એ જ ભાષામાં જવાબ આપશે જે ભાષા દેશના લોકો ઇચ્છે છે. તમે જે ઇચ્છો છો તે પીએમ મોદીના નેતૃત્વમાં થશે. તેમણે કહ્યું કે દુનિયાની કોઈ શક્તિ ભારતનો વિંનાશ કરી શકે તેમ નથી. ભારત અમર રહેશે. તેમણે કહ્યું કે રક્ષા મંત્રી તરીકે મારા સૈનિકો સાથે દેશની સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી મારી છે.
દેશ પર નજર નાખનારને યોગ્ય જવાબ અપાશે
રાજનાથ સિંહે કહ્યું કે નજર નાખનારને મારી સેના સાથે મળીને યોગ્ય જવાબ આપવો એ મારી ફરજ છે. તેમણે કહ્યું કે ભારતની તાકાત ફક્ત તેની લશ્કરી શક્તિમાં જ નહીં પરંતુ તેની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતામાં પણ રહેલી છે.
તેમણે કહ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે ભારતના સંતોએ માત્ર આધ્યાત્મિક ઉપદેશો જ આપ્યા નહીં પરંતુ સામાજિક સુધારણા, શિક્ષણ અને રાષ્ટ્રીય એકતામાં પણ અગ્રણી ભૂમિકા ભજવી છે.
આપણ વાંચો: ‘હિન્દુઓ ક્યારેય આવું નહીં કરે’: પહલગામ આતંકવાદી હુમલા પર આરએસએસ વડા મોહન ભાગવત
સૈનિકો આપણી સરહદોનું રક્ષણ કરે છે
તેમણે કહ્યું, એક તરફ, આપણા સંતો સંસ્કૃતિનું રક્ષણ કરે છે. તો બીજી તરફ, આપણા સૈનિકો આપણી સરહદોનું રક્ષણ કરે છે. એક તરફ આપણા સંતો જીવનની ભૂમિ પર લડે છે, તો બીજી તરફ આપણા સૈનિકો યુદ્ધના મેદાનમાં લડે છે. તેમણે કહ્યું કે ભારત એવી ભૂમિ છે જે આપણા ઋષિઓ અને સંતોના વિચારોથી પોષાયેલી છે.