ચોમાસામાં કાંદાના ભજિયાના શોખિનો માટે આવ્યા છે સારા સમાચારઃ કાંદાના ભાવ હજુ ગગડશે...

ચોમાસામાં કાંદાના ભજિયાના શોખિનો માટે આવ્યા છે સારા સમાચારઃ કાંદાના ભાવ હજુ ગગડશે…

મુંબઈઃ કાંદા ભારતીય ભોજનમાં ખૂબ મહત્વની સામગ્રી તરીકે ભાગ ભજવે છે અને ગરીબોની કસ્તૂરી તરીકે પણ ઓળખાય છે, પરંતુ કાંદાના ભાવ વારંવાર વધતા હોવાથી ચર્ચાનો વિષય બની રહે છે. મહારાષ્ટ્રનું રાજકારણ કાંદાના ખેડૂતો અને ખેતીથી ગરમાતું રહે છે, જોકે હાલમાં જે પરિસ્થિતિ નિર્માણ થવાના સંકેતો છે તે જોતા સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર છે. કાંદાના ભાવ નીચે ગગડી જશે, તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે.

આ કારણો રહેશે જવાબદાર
બજારમાં માંગમાં ઘટાડો, સંગ્રહ પર લાગેલી મર્યાદાઓ, ડુંગળીની ખરીદીમાં ‘NAFED’ અને ‘NCCF’ દ્વારા મળેલ ઠંડો પ્રતિસાદ અને ડુંગળીની નિકાસમાં બાંગ્લાદેશની નીતિને કારણે ડુંગળીના ભાવમાં પહેલેથી ઘટાડો નોંધાયો છે, ત્યારે હજુ કાંદાના ભાવ નીચે જાય તેવી સંભાવના છે. આના કારણોમા્ં મહત્વનું કારણ એ છે કે ટૂંક સમયમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ ‘NCCF’ અને ‘NAFED’માંથી ડુંગળી એક સાથે બજારમાં આવશે, જેના કારણે બફર સ્ટોક ઊભો થશે. જોકે આ સ્થિતિમાં ખેડૂતોને રડવાનો વારો આવે તેમ છે, ત્યારે સરકારે તેમની માટે સહાય કે અન્ય કોઈ પ્રોત્સાહન આપતો નિર્ણય લેવો પડે તેવી શક્યતા છે.

આ ઉપરાંત દક્ષિણી રાજ્યો પણ કાંદાની ખેતી કરતા થઈ ગયા છે અને તેમનો માલ ધીમે ધીમે બજારમાં પગપેસારો કરી રહ્યો છે. હવે મહારાષ્ટ્રના કાંદાની માગ દક્ષિણી રાજ્યોમાં ઓછી રહેશે, આથી મહારાષ્ટ્રના ખેડૂતોને ફટકો પડશે.
એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે કે NAFED હવે કાંદાની ખરીદી નહીં કરે, જોકે હાલમાં આ અધિકારીઓએ આ વાતને રદિયો આપ્યો છે અને 22 કેન્દ્ર પર કાંદા ખરીદાઈ રહ્યા હોવાનું જણાવ્યું છે, પરંતુ ભાવ ઓછો મળી રહ્યો છે અને હજુ તે ઘટે તેવી સંભાવનાઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

શું કહે છે નિષ્ણાતો
નિષ્ણાતોના કહેવા અનુસાર ઑગસ્ટ મહિનામાં બફર સ્ટોક આવ્યા બાદ કાંદા પરથી પ્રોત્સાહન રકમ ઘટાવી જોઈએ. આ કારણોસર, વેપારીઓ પર પણ તેની ગંભીર અસર પડશે, જે સમગ્ર પુરવઠા ખોરવી નાખશે. ડુંગળી પર નિકાસ પ્રોત્સાહન રકમ 1.9 ટકા છે. તેને વધારીને 5 ટકા કરવી જોઈએ. તેનાથી ખેડૂતોને વધુ ફાયદો થશે. નિકાસ કરતા સંગઠનોએ કેન્દ્રીય વાણિજ્ય ખાતાને આ અંગે રજૂઆત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

એક આશા એ પણ છે ઑગસ્ટ મહિના સુધી બાંગ્લાદેશી કાંદાનો સ્ટોક ઓછો થશે તો તેમને પણ ભારતીય કાંદાની જરૂર પડશે, આથી થોડું સમતોલન જળવાઈ રહશે. જોકે મોટેભાગે જોવા મળ્યું છે કે ખેડૂતોને તેમની પેદાશોના ભાવ નથી મળતા અને આમ જનતાને સસ્તું મળતું નથી, વચ્ચેની પ્રક્રિયામાં થતી ગેરરીતિને આ માટે જવાબદાર માનવામાં આવે છે, છતાં કાંદાના ભાવ નીચે ગગડે તેવી શક્યતા છે, તો ચોમાસામાં કાંદાના ભજિયા ખાનારાઓને જલસા પડી જશે તેમ કહી શકાય.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button