નવી દિલ્હી: ફરી એકવાર કોરોના વાયરસ અને તેના ચેપને બાબતે એલર્ટની સ્થિતિ છે. કોરોના વાયરસનો નવો વેરીઅન્ટ ભારતમાં જોવા મળ્યો છે. કોવિડ-19નો સબવેરિઅન્ટ JN.1 નો પ્રથમ કેસ કેરળમાં નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. આ દરમિયાન કોરોનાગ્રસ્ત એક દર્દીના મૃત્યુના પણ અહેવાલ છે.
કેરળના કન્નુર જિલ્લાના પાનુર નગરપાલિકાના વોર્ડ-1 નિવાલીના એક વ્યક્તિનું કોરોનાએ કારણે મોત થયું છે. હવે આ ઘટના બાદ આ વિસ્તારમાં કોવિડ નિવારણની ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. વિધાનસભ્યએ આપાતકાલીન બેઠક બોલાવી હતી. મૃતકની ઓળખ અબ્દુલ્લા તરીકે થઈ છે અને તે 80 વર્ષનો હતો. તેમની ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફની સારવાર ચાલી રહી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા નિયમિત અભ્યાસના ભાગ રૂપે રાજ્યોમાં તમામ આરોગ્ય સુવિધાઓમાં મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રાજ્યના આરોગ્ય અધિકારીઓના સંપર્કમાં છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
કેરળમાં કોવિડના ભય બાદ રાજ્યના આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવે ઈમરજન્સી બેઠક યોજી હતી. અધિકારીઓને માસ્ક, ઓક્સિજન સિલિન્ડર, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની કોઈ અછત ન થાય તે માટે તૈયાર રહેવા અને સ્ટોક રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ સાથે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કેરળ સાથેની સરહદ બંધ કરવામાં આવશે નહીં.
સ્વાસ્થ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવે કહ્યું કે, આપણે મોક ડ્રીલ કરવી પડશે અને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. અમે માસ્ક, ઓક્સિજન સિલિન્ડર વગેરેની તૈયારી કરી લીધી છે.
સિંગાપોરમાં એક ભારતીય પ્રવાસીમાં પણ JN.1 સબ-વેરિઅન્ટ મળી આવ્યો હતો. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો વતની હતો અને 25 ઓક્ટોબરે સિંગાપોર ગયો હતો. ભારતમાં આ JN.1 વેરિઅન્ટનો અન્ય કોઈ કેસ નોંધાયો નથી. JN.1 સબ-વેરિઅન્ટ – સૌપ્રથમ લક્ઝમબર્ગમાં જોવા મળ્યો હતો અને તે ઘણા દેશોમાં ફેલાયો છે. તે પિરોલા વેરીઅન્ટ (BA.2.86) શ્રેણીનો છે.