દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ગડુલ જંગલોમાં સતત ત્રીજા દિવસે પણ આતંકવાદીઓ ઠાર કરવા સેનાનું ઓપરેશન ચાલુ છે. સુત્રોના જણાવ્યા મુજબ સેના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ દરમિયાન એન્કાઉન્ટરમાં ઘાયલ વધુ એક જવાન શહીદ થયો છે. આ સાથે આ ઓપરેશનમાં શહીદોની સંખ્યા ચાર થઇ છે. જ્યારે બે જવાન ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અનંતનાગમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ક્વોડકોપ્ટર અને ડ્રોન વડે આતંકવાદીઓ પર નજર રાખવામાં આવી રહી છે. ઓપરેશનમાં પેરા કમાન્ડોએ પણ ચાર્જ સંભાળ્યો છે. ગાઢ જંગલ અને ડુંગરાળ વિસ્તારના કારણે આ ખાસ ટુકડી તૈનાત કરવામાં આવી છે. આ સિવાય જે પહાડી પર આતંકીઓ છુપાયા હોવાની આશંકા હતી ત્યાં રોકેટ છોડવામાં આવ્યા હતા. આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા, હજુ પણ કેટલાક આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે.
ઉલ્લેખનીય છે કે કોકરનાગના ગડુલ જંગલોમાં આતંકવાદીઓની હિલચાલ અંગેના ઈનપુટ બાદ સેનાની 19 રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટુકડીએ બુધવારે વહેલી સવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ ટીમ પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો.
આતંકવાદીઓનો સામનો કરતા કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક અને જમ્મુ-કાશ્મીરના ડીએસપી હુમાયુ ભટે દેશ માટે સર્વોચ બલિદાન આપ્યું હતું. દેશભરના લોકોએ શહીદ વીરોને ભીની આંખે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Taboola Feed