અમદાવાદમાં પ્લેન ક્રેશ: FAAના રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા, માનવીય ભૂલની શંકા? | મુંબઈ સમાચાર

અમદાવાદમાં પ્લેન ક્રેશ: FAAના રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા, માનવીય ભૂલની શંકા?

અમદાવાદ: એર ઈન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન 12 જૂનના અમદાવાદના મેઘાણીનગરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાન ક્રેશમાં 260 લોકોના મોત થયા હતા જે એર ઇન્ડિયાના ઇતિહાસમાં સૌથી ગંભીર ઘટનાઓમાંની એક છે. આ દુર્ઘટના બનવા પાછળનું કારણ જાણવા માટે સરકારી સહિત ખાનગી એજન્સી તપાસ કરી રહી છે.

ત્યારે આ યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને(FAA) તપાસનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ફ્યુઅલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ટેકનિકલ ખામી ન હોવાનું જણાવવામાં આવ્યું છે, જેના કારણે હવે માનવીય ભૂલની શંકા વધી છે.

આપણ વાંચો: દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લાગી આગ

બારમી જૂનના અમદાવાદથી ટેકઓફ થયાની બે મિનિટમાં જ એર ઇન્ડિયાનું વિમાન ધડાકાભેર ક્રેશ થયું હતું. FAAના એડમિનિસ્ટ્રેટર બ્રાયન બેડફોર્ડે વિસ્કોન્સિનમાં એક એવિએશન કાર્યક્રમમાં જણાવ્યું કે તપાસમાં ફ્યુલ સિસ્ટમમાં કોઈ ખામી જોવા મળી નહોતી. ફ્યુઅલ સ્વિચમાં અનધિકૃત હેરફેરના પણ કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ દુર્ઘટના ફ્યુઅલ કંટ્રોલની ટેકનિકલ ગરબડને કારણે નથી થઈ.

ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને યુએસના NTSBની સંયુક્ત તપાસમાં જાણવા મળ્યું કે ટેકઓફ બાદ બંને ફ્યુલ કંટ્રોલ સ્વિચ ‘કટઓફ’ સ્થિતિમાં આવી ગયા હતા, જેના કારણે એન્જિનમાં ફ્યુલનો પ્રવાહ બંધ થયો હતો. 10 સેકન્ડમાં સ્વિચ ‘રન’ સ્થિતિમાં પાછું આવ્યું હતું.

પરંતુ એન્જિન થ્રસ્ટ પુનઃપ્રાપ્ત ન કરી શક્યું. કોકપિટ વોઇસ રેકોર્ડરમાં પાઇલટો વચ્ચે ફ્યુઅલ સ્વિચ અંગેની ચર્ચા સાંભળવા મળી, પરંતુ આ વાતચીત કેપ્ટન સુમિત સભરવાલ કે ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરે કરી તે હજુ સ્પષ્ટ નથી.

આપણ વાંચો: સબ સલામતઃ એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની તપાસ પૂરી કરી…

ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ 14 જુલાઈએ બોઇંગ 787 અને 737 વિમાનોના ફ્યુલ કંટ્રોલ સ્વિચના લોકીંગ મિકેનિઝમની તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો, જેની અંતિમ તારીખ 21 જુલાઈ હતી.

એર ઇન્ડિયાએ તેના તમામ વાઇડબોડી અને નેરોબોડી વિમાનોનું નિરીક્ષણ પૂર્ણ કર્યું, જેમાં કોઈ અનિયમિતતા જોવા મળી નથી. બોઇંગ અને FAAએ જણાવ્યું કે હાલની સિસ્ટમ સલામત છે અને ડિઝાઇનમાં ફેરફારની જરૂર નથી.

AAIB હાલમાં તપાસ કરી રહ્યું છે કે ફ્યુઅલ સ્વિચની ‘કટઓફ’ સ્થિતિ માનવીય ભૂલ, સંચારની ખામી કે સિસ્ટમ સમસ્યાને કારણે થઈ હતી. તપાસકર્તાઓએ કોકપિટમાં થયેલી વાતચીત અને અન્ય પુરાવાઓનું વિશ્લેષણ કરી રહ્યા છે, પરંતુ વિગતવાર તારણો હજુ જાહેર થયા નથી. આ દુર્ઘટનાએ એવિએશન સલામતી પર નવેસરથી ચર્ચા શરૂ કરી છે, અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે કડક પગલાંની અપેક્ષા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button