દિલ્હીમાં જી-20 મીટિંગ અને ડિનર પાર્ટી બાદ બિહારમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. લાંબા સમય બાદ દિલ્હીમાં ડિનર પાર્ટી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર વચ્ચે મુલાકાત થઈ હતી. મળતી માહિતી મુજબ, વિપક્ષી પાર્ટીઓના ઈન્ડિયા અલાયન્સની રચના બાદ આ બંને નેતાઓ પ્રથમ વખત એકબીજાને મળ્યા હતા. બંનેની આ બેઠકને લઈને રાજકારણ પણ તેજ બન્યું છે. દિલ્હીમાં પીએમ મોદી અને નીતીશ કુમારની બેઠક વચ્ચે જન સૂરજ અભિયાનના વડા પ્રશાંત કિશોરે(PK) મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું છે કે બિહારમાં આવનારી બંને ચૂંટણી વર્તમાન સિસ્ટમની તર્જ પર નહીં થાય.
દિલ્હીમાં જી-20 બેઠક દરમિયાન રાષ્ટ્રપતિએ દેશના તમામ મુખ્ય પ્રધાનોને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું હતું જેમાં કોંગ્રેસના કેટલાક મુખ્ય પ્રધાનોએ હાજરી આપી ન હતી, પરંતુ નીતીશ કુમારે આ ડિનરમાં હાજરી આપી હતી, જેના પછી રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે બેઠક દરમિયાન વડા પ્રધાને જે રીતે નાલંદા યુનિવર્સિટીને બેકગ્રાઉન્ડમાં રાખીને વિદેશી મહેમાનો સામે બિહારની પ્રસ્તુતિ કરી તેનાથી દેશ-વિદેશમાં નાલંદા યુનિવર્સિટીની ઓળખ વધી છે અને બિહારની ઓળખ પણ સકારાત્મક રીતે વધી છે. ડિનર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતીશ કુમારને અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે મેળાપ પણ કરાવ્યો જેના કારણે નીતીશ કુમાર પણ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા.
બીજી બાજુ બિહારમાં જોઇએ તો નીતીશ કુમાર દિલ્હીમાં ડિનર પાર્ટીમાં ગયા એ લાલુ પુત્રને પસંદ નહીં આવ્યું હોય તેમ તેમણે I.N.D.I.A ગઠબંધનના એ સમયે તાત્કાલિક ઉપલબ્ધ હોય એવા નેતાઓ સાથે તાત્કાલિક બંધ બારણે બેઠક પણ કરી નાંખી. સ્વાભાવિક રીતે જ આ બેઠક માટે નીતીશ કુમારને આમંત્રણ નહોતું અપાયું.
આગામી લોકસભાની અને બિહાર વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે, એ તો હજી નક્કી નથી, પણ પરંતુ બિહારમાં હાલની વ્યવસ્થાની તર્જ પર તે યોજાશે નહીં. કયો નેતા કે પક્ષ ક્યાં ચાલશે તેની કોઈને ખબર નથી. આગામી ચૂંટણી પહેલા મોટો બદલાવ જોવા મળશે એ તો નક્કી જ છે.