
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઓલા, ઉબેર, ઇનડ્રાઇવ અને રેપિડો જેવી કેબ કંપનીઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો હેઠળ કંપનીઓ હવે પીક અવરમાં બેઝ ભાડાથી બમણું ભાડું વસૂલી શકશે, જે અગાઉ દોઢ ગણું હતું. આ ઉપરાંત, ઓછી ભીડવાળા સમયે ભાડું બેઝ ભાડાથી અડધા નહીં થાય. આ નિયમો યાત્રીઓની સુવિધા અને ડ્રાઇવરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવાયા છે.
નવા નિયમોની વિગતો
કેન્દ્ર સરકારે રાજ્યોને આ નિયમો ત્રણ મહિનામાં લાગુ કરવા જણાવ્યું છે. પીક અવરમાં યાત્રીઓ પર વધુ બોજ ન પડે અને કંપનીઓ અયોગ્ય ડિસ્કાઉન્ટ દ્વારા ખોટી સ્પર્ધા ન કરે તે સુનિશ્ચિત કરવામાં આવશે. નવા નિયમોમાં રાઇડ રદ કરવા પર દંડની જોગવાઈ પણ છે. જો ડ્રાઇવર રાઇડ રદ કરે તો 10% ભાડું અથવા મહત્તમ 100 રૂપિયા દંડ લાગશે. આ દંડ ડ્રાઇવર અને કંપની વચ્ચે વહેંચાશે.
ડ્રાઇવરો માટે વીમો
કેબ કંપનીઓએ ડ્રાઇવરો માટે ઓછામાં ઓછો 5 લાખ રૂપિયાનો હેલ્થ વીમો અને 10 લાખ રૂપિયાનો ટર્મ વીમો ફરજિયાત કરવો પડશે. ઓટો-રિક્ષા અને બાઇક ટેક્સી પણ આ નિયમોના લાગુ થશે. રાજ્ય સરકારો ટેક્સી, ઓટો અને બાઇક ટેક્સી માટે બેઝ ભાડું નક્કી કરશે. ઉદાહરણ તરીકે, દિલ્હી-મુંબઈમાં ટેક્સીનું બેઝ ભાડું 20-21 રૂપિયા પ્રતિ કિલોમીટર અને પુણેમાં 18 રૂપિયા છે. જો રાજ્ય ભાડું નક્કી ન કરે, તો કંપનીઓએ ભાડું નક્કી કરીને સરકારને જણાવવું પડશે.
યાત્રીઓની સુરક્ષા
દરેક ગાડીમાં વ્હીકલ લોકેશન અને ટ્રેકિંગ ડિવાઇસ (VLTD) ફરજિયાત હશે, જેની માહિતી કંપની અને રાજ્ય સરકારના કંટ્રોલ સેન્ટરને મળશે. કંપનીઓએ દર વર્ષે ડ્રાઇવરો માટે રિફ્રેશર ટ્રેનિંગ ફરજિયાત કરવી પડશે. સૌથી નીચી રેટિંગવાળા 5% ડ્રાઇવરોએ દર ત્રણ મહિને ટ્રેનિંગ લેવી પડશે, નહીં તો તેમને કામ કરવાની પરવાનગી નહીં મળે.
આ પણ વાંચો : ઓલા ડ્રાઈવર્સને મોટી રાહતઃ આ નિર્ણયથી મહેનતની પૂરી કમાણી આવશે ખિસ્સામાં…