લોકોને કચરો નાખતા રોકવા નાળાની બંને બાજુ જાળી લાગશે

મુંબઈ: ચોમાસાના આગમન પહેલા મુંબઈના નાનાં-મોટાં નાળા તથા ગટરોની સફાઈ પૂરી કરવાની છે ત્યારે ડેડલાઈનને પહોંચી વળવા કૉન્ટ્રેક્ટરો કામચોરી ન કરે તે માટે નાળાસફાઈ દરમ્યાન સંબંધિત એન્જિનિયરોએ વ્યક્તિ રીતે સાઈટ પર હાજરી પુરાવીને કામનો અહેવાલ લેવાનો નિર્દેશ પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે આપ્યો છે. એ સાથે જ નાળાની આસપાસમાં રહેતા લોકો તેમાં કચરો ફેંકે નહીં તે માટે તેમને રોકવા નાળાની બંને બાજુએ શક્ય એટલી વહેલી તકે જાળી બેસાડવાનો નિર્દેશ પણ તેમણે આપ્યો હતો.
ચોમાસા દરમ્યાન પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થાય નહીં તે માટે દર વર્ષની માફક આ વર્ષે પણ મુંબઈમાં ચોમાસા પહેલાના કામના ભાગ રૂપે નદી-નાળાની સફાઈનું કામ માર્ચ મહિનાથી ચાલુ કરી દેવામાં આવ્યું છે. ગુરુવારે એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે પરામાં ઘાટકોપર (પૂર્વ)માં છેડા નગર જંકશન નજીકનું સોમૈયા નાળું, કુર્લા સ્થિત માહુલ ખાડી નાળું, શિવડી-ચેંબુર રસ્તા પરની માહુલ ખાડી નાળું, વડાલામાં રાવળી નાળું, કુર્લા (ર્પૂ)માં નહેરુનગર નાળું, ધારાવી ટી જંકશન ખાતે દાદર-ધારાવી નાળાની સાથે જ બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી મીઠી નદીની સફાઈનાં કામનું ઈન્સ્પેકશન કર્યું હતું.
મુખ્ય નાળાઓની સાથે જ ૧૭ કિલોમીટર લંબાઈની મીઠી નદીની સફાઈ મહત્ત્વની હોવાથી દરેક તબક્કામાં કેટલો ગાળ(કાદવ-કચરો) કાઢવો અપેક્ષિત છે અને કેટલા સમયમાં તે કામ પૂરું કરવાનું છે તેનું સૂક્ષ્મ આયોજન કરવાનું આદેશ સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યો છે. એ સાથે જ જયાં મીઠી નદીમાંથી કાઢવામાં આવેલ ગાળનું વજન કરવામાં આવે છે તે વજનકાટાના સ્થળે પૂરતી સંખ્યામાં સીસીટીવી બેસાડવા અને તેનું બૅકઅપ રાખવાનું અને તેનો રેકોર્ડ રાખવાનું ફરજિયાત રહેશે. ૩૧ મેની મુદતને પહોંચી વળવા માટે કામની ગુણવત્તાને અસર ના થાય તે માટે પૂર્વ ઉપનગરના મહત્ત્વના મોટા-નાના તમામ નાળાઓની અને મીઠી નદીની સફાઈ યોગ્ય રીતે થાય તે માટે વ્યકિતગત રીતે ઈન્સ્પેકશન કરીને તેનો અહેવાલ સંબંધિત અધિકારીએ લેવાની સૂચના આ દરમ્યાન એડિશનલ કમિશનરે આપી હતી.
આ પણ વાંચો: Good News: મધ્ય રેલવેમાં નવો કોરિડોર બનાવવાની યોજના, ફિલ્ડ સર્વે હાથ ધરાયો…

ઘાટકોપરમાં પૂરજનક પરસ્થિતિથી રાહત મળશે
સોમૈયા નાળામાં ઘાટકોપરના જુદા જુદા વિસ્તારમાં આવેલી ડ્રેનેજ લાઈનમાંથી વરસાદી પાણી ઠલવાતું હોવાની માહિતી આપતા સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે ઘાટકોપર (પશ્ર્ચિમ)માં હાલ પરિસ્થિતિ એવી છે કે ભારે વરસાદ દરમ્યાન અનેક વખત પાણી ભરાઈ જતાં હોય છે અને તે પાણી રેલવે ટ્રેક પર આવતા હોય છે અને રેલ સેવાને ફટકો પડતો હોય છે સાંકડી ડ્રેનેજ લાઈનને કારણે વરસાદની પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ શકતો નથી. તેથી ઘાટકોપર (પશ્ર્ચિમ)માં આવેલા જોલી જીમખાના પાસે ૦.૯ મીટર પહોળા રસ્તાને લાગીને આવેલા બોક્સ ડ્રેનની ક્ષમતા વધારીને ૧.૨ મીટરની કરવામાં આવવાની છે, તેમ જ મેઘરાજ જંકશન પાસે હાલ ૧.૨ મીટર પહોળા બોક્સ ડ્રેનની જગ્યાએ નવા બે મીટર પહોળા બોક્સ ડ્રેન બાંધવામાં આવવાના છે. આ ઠેકાણે રસ્તાને લાગીને વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈન નાખવામાં આવવાની છે.
આ પણ વાંચો: ખુલ્લામાં કચરો બાળવા બદ્લ બેસ્ટને ૧,૦૦૦ રૂપિયાનો દંડ…
તત્કાળ જાળી બેસાડો
ધારાવી ટી જંકશનમાં દાદર-ધારાવી નાળાની એક બાજુએ બે માળના ઘર, દુકાનો, કમર્શિયલ બાંધકામ આવેલા છે. અહીંથી ઘરનો તથા કમર્શિયલ કચરો નાળામાં ફેંકવામાં આવે છે. તેથી નાળાની સફાઈ બાદ પણ નાળામાં સતત કચરો રહેતો હોવાને કારણે અનેક વખત નાળાની સફાઈ કરવી પડે છે. છતાં કચરો ઉપર તરતો રહે છે અને ચોમાસામાં વરસાદના પાણીનો પ્રવાહ નાળામાં જતો નથી અને પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. તેથી જયાં નાળાની આજુબાજુ બાંધકામ હોય ત્યાં તાત્કાલિક ધોરણે જાળી બેસાડવાનો નિર્દેશ બાંગરે આપ્યો હતો.

કુર્લામાં અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવાશે
કુર્લા નીચાણવાળાો વિસ્તાર હોવાથી ચોમાસા દરમ્યાન અહીં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાતાં હોય છે. કુર્લાના પાણી માહુલ ખાડીમાં ઠલવાતા હોય છે. કુર્લાના અમુક નાળા માત્ર એક મીટર ઊંડા છે. તેથી ચોમાસામાં નાળામાંથી પાણી બહાર આવી જતા હોય છે. તો ભરતી દરમ્યાન વરસાદી પાણીનો નિકાલ નાળા અને ખાડીમાં થઈ શકતો ન હોવાથી આ પાણીને સ્ટોર કરવા માટે હાલ દાદર અને પરેલ સહિત સાંતાક્રુઝમાં અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવી છે, તે મુજબ જ કુર્લા(પશ્ર્ચિમ)માં વરસાદી પાણીનો સ્ટોર કરવા અને વરસાદી પાણીનો નિકાલ કરવા માટે યંત્રણા અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવાશે અને સાથે જ વધારાનું પંપિંગ સ્ટેશન અહીં ઊભું કરવામાં આવવાનું છે.