નીરજ ચોપડાનો સપાટો, પહેલા જ પ્રયાસમાં ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ ગયો
પૅરિસ: ભારતના ઑલિમ્પિક ચૅમ્પિયન નીરજ ચોપડાએ મંગળવારે ભાલાફેંકમાં શરૂ થયેલા ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ધમાલ મચાવી દીધી હતી. તેણે પહેલા જ પ્રયાસમાં ભાલો 89.34 મીટર દૂર ફેંકીને ફાઇનલ માટેનું ક્વૉલિફિકેશન મેળવી લીધું હતું.
2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં પહેલા સ્થાને આવીને ગોલ્ડ મેડલ જીતનાર આર્મીમૅન નીરજનો સીઝનનો આ બેસ્ટ થ્રો હતો.
84 મીટરનું અંતર પાર કરનાર ઍથ્લીટની ફાઇનલના ક્વૉલિફિકેશન માટેની તક વધી જતી હોય છે અને 26 વર્ષના નીરજે ટોક્યો ઑલિમ્પિક્સમાં પહેલા પ્રયાસમાં જ એ અંતર પાર કરી લીધું હતું. આ વખતે અહીં પણ તેણે પ્રથમ રાઉન્ડમાં ભાલો 84 મીટરથી ક્યાંય દૂરના અંતરે ફેંકીને ક્વૉલિફિકેશન હાંસલ કરી લીધું.
પાકિસ્તાનનો ઍથ્લીટ અર્શદ નદીમ જે નીરજનો મિત્ર અને હરીફ છે, તેણે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ભાલો 86.59 મીટર દૂર ફેંકીને ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હતી.
અર્શદ નદીમ કૉમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ-મેડલિસ્ટ છે. જોકે તે ઘણી મોટી સ્પર્ધાઓમાં નીરજ સામે ઝાંખો પડી ચૂક્યો છે.
ગ્રૂપ-એમાં ભારતનો જ કિશોર જેના ફાઇનલમાં પહોંચવા સંઘર્ષ કરી રહ્યો હતો, કારણકે તેણે ભાલો 80.73 મીટર દૂર ફેંક્યો હતો. છેવટે નીરજ ચોપડાવાળા ગ્રૂપ-બીના ઍથ્લીટોના પરિણામો આવતાં જાહેરાત થઈ હતી કે કિશોર જેનાએ આ સ્પર્ધામાંથી એક્ઝિટ કરવી પડી હતી.
કુલ 12 ઍથ્લીટને ફાઇનલમાં પહોંચવા મળે છે.
ગ્રૂપ-એમાં ઍન્ડરસન પીટર્સે ભાલો 88.83 મીટર દૂર ફેંક્યો હતો અને ફાઇનલમાં આસાનીથી પ્રવેશ મેળવ્યો હતો.