પીએમ મોદીનો ફેવરિટ રનર અવિનાશ સાબળે ઑલિમ્પિક્સ ફાઈનલ માટે ક્વોલિફાઈ થયો, નવો ઇતિહાસ રચાયો
પૅરિસ : ભારતના ટોચના રનર અવિનાશ સાબળેએ સોમવારે પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લેટિક્સમાં ભારત માટે નવો ઇતિહાસ રચ્યો હતો. તે 3000 મીટર સ્ટીપલચેઝની ફાઇનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય રનર બન્યો હતો.
અવિનાશ સાબળે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફેવરિટ રનર છે. થોડા સમય પહેલાં વડાપ્રધાને સાબળેના ખૂબ વખાણ કર્યા હતા અને ‘મન કી બાત’માં પણ તેના વિશે ઘણી ચર્ચા કરી હતી.
સાબળે 2022ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને પછી કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો ત્યારે પીએમ મોદીએ તેના ખૂબ વખાણ કર્યા હતા.
સ્ટીપલચેઝ એટલે વિઘ્ન દોડ. એમાં રનરે દોડ દરમ્યાન સાત વૉટર જમ્પ સહિત કુલ 35 જેટલા વિઘ્નો પાર કરવા પડે છે.
સાબળેએ સોમવારે ફાઇનલ પહેલાંની હીટ-રનમાં 3000 મીટર સ્ટીપલચેઝ 8 મિનિટ અને 15.43 સેકન્ડમાં પૂરી કરી હતી. તે પાંચમા નંબરે આવ્યો હતો અને ફાઇનલ માટે ક્વોલિફાય થયો હતો.
સ્ટીપલચેઝની હરીફાઈમાં ત્રણ હીટ યોજાય છે. દરેક હીટના ટોચના પાંચ રનર ફાઈનલ માટે ક્વોલિફાય થાય છે.
સાબળે જે હીટમાં હતો એમાં મોરોક્કોનો મોહમ્મદ ટિંડોફ્ટ 8 મિનિટ સને 10.62 સેકન્ડના ટાઈમિંગ સાથે પ્રથમ આવ્યો હતો.