
નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે એનડીએ દ્વારા ઉમેદવારના નામની આજે સત્તાવાર રીતે જાહેરાત કરી છે. NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)એ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.
પાટનગર ખાતે મળેલી સંસદીય બોર્ડની બેઠકમાં સીપી રાધાકૃષ્ણનના નામને મંજૂરી આપી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનનું નામ એનડીએએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
આપણ વાંચો: આવતી કાલે NDA ઉપરાષ્ટ્રપતિ ઉમેદવારનું નામ જાહેર કરશે! બીજેપી શાસિત રાજ્યોના CM હાજર રહેવા સૂચના
ભાજપના સંસદીય બોર્ડની બેઠકમાં મળી મંજૂરી
વિગતે વાત કરવામાં આવે તો ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં સીપી રાધાકૃષ્ણનના નામને મંજૂરી આપી દેવામાં આવી હતી. આ નામ માટે સમિતિના તમામ સભ્યો સંમત થયા હતા. નવી દિલ્હીમાં આજે સાંજે 6 વાગ્યે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે આ બેઠક યોજાઈ હતી, જેમાં વડા પ્રધાન મોદીએ પણ હાજર રહ્યાં હતા.
આ પદ માટે અનેક નામોની ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ અત્યારે સીપી રાધાકૃષ્ણનના નામ પર મહોર લગાવી દેવામાં આવી છે. જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપના સંસદીય બોર્ડની બેઠકમાં ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવારનું નામ નક્કી કરવા માટે બોલાવવામાં આવી હતી.
આપણ વાંચો: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે રાજકીય ‘જંગ’ શરૂઃ બંને પક્ષોએ કવાયત હાથ ધરી, લાભ કોને થશે?
કોણ છે સીપી રાધાકૃષ્ણન?
સીપી રાધાકૃષ્ણનનું પૂરૂ નામ ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (CP Radhakrishnan) છે. તેમનો જન્મ 20 ઓક્ટોબર 1957ના રોજ તમિલનાડુના તિરુપુરમાં થયો હતો. વીઓ ચિદમ્બરમ કોલેજ (કોઈમ્બતુરથી)માંથી બીબીએની ડિગ્રી લીધી છે. સીપી રાધાકૃષ્ણન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રહ્યા છે અને હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે.
હવે તેમનું નામ ઉપરાષ્ટ્રપતિ પદ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. રાધાકૃષ્ણની પોતાની રાજકીય કારકિર્દી આરએસએસ અને જનસંઘથી થઈ હતી. કોઈબ્તુરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તમિલનાડુ ભાજપના પ્રમુખપદે રહીને 93 દિવસની રથયાત્રા કાઢી હતી, જેનો મૂળ ઉદ્દેશ આતંકવાદ વિરુદ્ધ લોકોમાં જાગૃકતાનો હતો.
સીપી રાધાકૃષ્ણનની રાજકીય કારકિર્દી
સીપી રાધાકૃષ્ણનની 31મી જુલાઈ 2024થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. આ પહેલા તેઓ 18મી ફેબ્રુઆરી 2023થી 30મી જુલાઈ 2024 સુધી ઝારખંડના રાજ્યપાલ રહ્યાં હતાં. માર્ચથી જુલાઈ 2024 સુધી તેલંગાણામાં વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો.
એટલું જ નહીં પરંતુ માર્ચથી ઓગસ્ટ 2024 સુધી પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો હતો. ઇસ 1998માં અને 1999માં સીપી રાધાકૃષ્ણન કોઈમ્બતુર લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટાઈને સાંસદ બન્યા હતાં. એટલું જ નહીં પરંતુ 2003થી 2006 સુધી સીપી રાધાકૃષ્ણન તમિલનાડુના ભાજપ પ્રમુખ પણ રહેલા છે.