ટોપ ન્યૂઝનેશનલ

પૂર્વ મુખ્યપ્રધાનનું થયું નિધન, રાજનીતિનો અધ્યાય થયો સમાપ્ત

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન થયું છે. તેમણે કોલકાતામાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 80 વર્ષના હતા.

બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાને ગુરુવારે સવારે 8.20 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે સવારે નાસ્તો પણ કર્યો હતો પરંતુ ટૂંક સમયમાં જ તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આમ પણ તેઓ લાંબા સમયથી બીમાર હતા. શ્વાસ લેવામાં તકલીફના કારણે તેમને જુલાઈમાં પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ COPD (ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ) અને વૃદ્ધાવસ્થા સંબંધિત અન્ય રોગોથી પીડિત હતા. તેમની કોલકાતા સ્થિત ઘરે સારવાર ચાલી રહી હતી. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્ર છે.

ભટ્ટાચાર્ય છેલ્લા કેટલાક સમયથી તબિયતના કારણે જાહેર જીવનથી દૂર હતા. તેમણે 2015માં સીપીઆઈ(એમ)ની પોલિટબ્યુરો અને સેન્ટ્રલ કમિટીમાંથી રાજીનામું આપ્યું હતું અને 2018માં રાજ્ય સચિવાલયનું સભ્યપદ છોડી દીધું હતું.

ભટ્ટાચાર્ય 2000 થી 2011 સુધી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન હતા. તેઓ પ. બંગાળ રાજ્યમાં ડાબેરી મોરચાના 34 વર્ષના શાસન દરમિયાન રાજ્ય પર શાસન કરનાર ડાબેરી પક્ષના બીજા મુખ્ય પ્રધાન હતા. તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના પોલિટબ્યુરોના સભ્ય પણ હતા. બુદ્ધદેવ ભટ્ટાચાર્યનો જન્મ 1 માર્ચ, 1944ના રોજ ઉત્તર કોલકાતામાં થયો હતો. બાદમાં તેઓ CPI(M)માં જોડાયા હતા. તેમને ડેમોક્રેટિક યુથ ફેડરેશનના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા, જે સીપીઆઈની યુવા પાંખ છે, જે પાછળથી ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં ભળી ગઈ હતી.

બુદ્ધદેવ ભટ્ટાચાર્ય વ્યવસાય સંબંધિત ઉદાર નીતિઓ અપનાવવા માટે જાણીતા છે. ડાબેરી નેતા હોવા છતાં પણ તેમણે વેપારમાં ઉદારીકરણની નીતિ અપનાવી હતી. સામાન્ય રીતે ડાબેરી પક્ષો આર્થિક ઉદારીકરણની વિરુદ્ધમાં હોય છે, પરંતુ તેમણે પશ્ચિમ બંગાળના ઔદ્યોગિકીકરણ માટે પ્રયત્ન કર્યા હતા. જોકે સિગુરમાં જમીન સંપાદનને લઈને મોટો વિવાદ થયો હતો, જેને કારણે લોકો ડાબેરી સરકારના વિરોધમાં આવી ગયા હતા અને ડાબેરીઓના 34 વર્ષના શાસનનો અંત આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button