શાળામાં નમાઝ વિવાદ: જિલ્લા શિક્ષણ અધિકારીએ કેલોરેક્સ સ્કૂલને ક્લીન ચીટ આપી, હુમલાખોરો સામે એફઆઈઆર નોંધવા તાજવીજ
અમદાવાદ: ઘાટલોડિયાની કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં એક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ધાર્મિક સહિષ્ણુતાની ભાવના પ્રેરિત કરવા અન્ય ધર્મની પ્રાર્થનાઓ સાથે નમાઝ અદા કરવાના એક્ટનું પ્રદર્શન કરાયું હતું. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર થતા હિન્દુત્વવાદી સંગઠનોએ વિરોધ કરી શાળાના શિક્ષકને મારમાર્યો હતો. હવે આ મામલે જિલ્લા શિક્ષણ કચેરીની ટીમે તપાસ બાદ કેલોરેક્સ ફ્યુચર સ્કૂલને ક્લીન ચીટ આપી હતી. ઉપરાંત અમદવાદ પોલીસે શિક્ષક પર હુમલો કરનારા સામે એફઆઈઆર નોંધી કડક પાગલ ભરવા કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે બુધવારે શાળા બંધ રહી હતી.
જિલ્લા શિક્ષણ કચેરીની ટીમે મામલાની તપાસ કરવા અને સ્કૂલ મેનેજમેન્ટનું નિવેદન નોંધવા કેમ્પસની મુલાકાત લીધી હતી. ટીમે પ્રાથમિક તપાસના અહેવાલમાં જણાવ્યું હતું કે સ્કૂલ એસેમ્બલી દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થી સાથે અન્ય વિદ્યાર્થીઓને નમાઝ અદા કરવવા પાછળ શાળા મેનેજમેન્ટનો સાંપ્રદાયિક તણાવ અથવા અસહિષ્ણુતા ફેલાવવાનો કોઈ ગેરઈરાદો ન હતો.
શિક્ષણ અધિકારીઓની ટીમે બુધવારે સવારે શાળાની મુલાકાત લીધી હતી. જિલ્લા શિક્ષણ કચેરીની ટીમે જણાવ્યું હતું કે, તેઓએ શાળાને ચેતવણી આપી છે કે ભવિષ્યમાં આવી પ્રવૃતિ ન કરે અને જો કરે તો વાલીઓને પહેલા માહિતગાર કરે. પૂછપરછ દરમિયાન શાળાના મેનેજમેન્ટે કહ્યું હતું કે તેઓ માત્ર વિદ્યાર્થીઓને અન્ય ધર્મોની પ્રથાઓ વિશે માહિતગાર કરવા ઈચ્છતા હતા. પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને બિનસાંપ્રદાયિકતા અને ધાર્મિક સહિષ્ણુતા શીખવવાનો હતો અને કોઈપણ વર્ગની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ન હતો.
શાળાના શિક્ષક સાથે મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં પોલીસકર્મીઓ મૂક પ્રેક્ષક બનીને ઉભેલા જોવા મળી હતી. આ ઘટના અંગે ઉચ્ચ પોલીસ અધિકારીએ સંબધિત વિસ્તારના પોલીસ અધિકારીને આદેશ કર્યો છે કે હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવવા શિક્ષક અને શાળા સાથે પરામર્શ કરે. અધિકારીએ જણાવ્યું કે, જો શિક્ષક આગળ આવવામાં સંકોચ અનુભવે છે, તો અમે હુમલાખોરો વિરુદ્ધ સુઓમોટો એફઆઈઆર નોંધીશું.
આ દરમિયાન શહેરના વરિષ્ઠ વકીલે હુમલા દરમિયાન પોલીસ અધિકારીઓની હાજરી તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું, એ સ્પષ્ટ છે કે ગુનો થયો છે. જો કોઈ પોલીસ અધિકારી મૂકદર્શક બનીને ગુનો થતા જુએ છે, તો તેમના વિરુદ્ધ સીઆરપીસી કલમ 154/3 હેઠળ કાર્યવાહી થવી જોઈએ. પીડિત કરે કે ન કરે તેની પરવા કર્યા વિના રાજ્યએ એફઆઈઆર નોંધી આગળ આવવું જોઈએ.
સમગ્ર મામલાની માહિતી મુજબ 2 ઓક્ટોબર ગાંધી જયંતી નિમિતે વિદ્યાર્થીઓને ધાર્મિક સહિષ્ણુતાના પાઠ શીખવવા કેલોરેક્સ ફ્યુચર સ્કૂલે એક પહેલ કરી હતી. કાર્યક્રમમાં વર્ગ 2 ના મુસ્લિમ વિદ્યાર્થીએ એસેમ્બલીમાં નમાઝ અદા કરી અને બાદમાં ચાર હિંદુ વિદ્યાર્થીઓને તેમની સાથે જોડાયા. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યાર બાદ શાળાને માતાપિતા ઉપરાંત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, એબીવીપી અને આરએસએસના વિરોધનો સામનો કરવો પડ્યો. કેટલા સંગઠનોના કાર્યકરોએ શિક્ષકને માર પણ માર્યો હતો.