Nagpur Violence: સોશિયલ મીડિયાએ આપી હિંસાને હવા! સાયબર સેલે 140 થી વધુ પોસ્ટ્સ અને વીડિયોનો શોધી કાઢ્યા…

નાગપુર: ઓરંગઝેબની કબર તોડી પાડવાની માંગણી સાથે સોમવારે નાગપુરમાં નિકળેલી રેલી દરમિયાન હિંસા ફાટી (Nagpur Violence) નીકળી હતી. આ ઘટના અંગે પોલીસ કાર્યવાહી કરી રહી છે. મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલે સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક હિંસાને લગતી 140 પોસ્ટ શોધી કાઢી છે.
પોલીસના જણવ્યા મુજબ હિંસાને વેગ આપવા માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને યુટ્યુબ પર ઘણી પોસ્ટ્સ અને વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. સાયબર સેલ આ કેસમાં કાર્યવાહી કરી રહ્યું છે અને આ એકાઉન્ટ્સ સાથે જોડાયેલા લોકોની ઓળખ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં, પોલીસે આ કેસમાં 10 FIR નોંધી છે.
આ પણ વાંચો:Manipur માં હમાર અને ઝોમી સમુદાય વચ્ચે હિંસક અથડામણ, કર્ફ્યું લાદવામા આવ્યો…
બાંગ્લાદેશ સાથે કનેક્શન?
નાગપુર પોલીસના સાયબર સેલે બાંગ્લાદેશથી ઓપરેટ થતા એક ફેસબુક એકાઉન્ટ શોધી કાઢ્યું છે, જેણે નાગપુરમાં મોટા પાયે રમખાણો ભડકાવવાની ધમકી આપી હતી. આ પોસ્ટ એક બાંગ્લાદેશી યુઝરે કરી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે સોમવારના રમખાણો માત્ર એક નાની ઘટના હતી અને ભવિષ્યમાં મોટા રમખાણો પણ થશે. સાયબર સેલે ફેસબુકનો સંપર્ક કર્યો છે અને તે એકાઉન્ટને બ્લોક કરવાની વિનંતી કરી છે.
આવા કન્ટેન્ટને તાત્કાલિક દૂર કરવા માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) અધિનિયમ 2000 ની કલમ 79(3)(b) હેઠળ નોટિસ જાહેર કરવામાં આવી છે. વધુમાં, આ એકાઉન્ટ્સ ઓપરેટ વ્યક્તિઓની ઓળખ ઉજાગર કરવા માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 94 હેઠળ પણ નોટિસ જાહેર કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાઈ:
અહેવાલ મુજબ અફવા ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં, ઘણી પોસ્ટ્સ પોસ્ટ કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રમખાણોમાં ઘાયલ થયેલા બે લોકોનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. જોકે, આ માહિતી સંપૂર્ણપણે ખોટી છે. સાયબર સેલે ફેક ન્યુઝ ફેલાવતી 97 પોસ્ટ્સ શોધી કાઢી છે. તેણે વધુમાં લોકોને સોશિયલ મીડિયા પર કોઈપણ અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ ન કરવા અને અફવાઓથી દુર રહેવા અપીલ કરી છે.
આ પણ વાંચો: નાગપુર હિંસા મામલે સ્થાનિક લઘુમતી નેતાની ધરપકડ, સંવેદનશીલ વિસ્તારોમાં હજુ પણ કર્ફ્યુ…
90 લોકોની ધરપકડ:
નાગપુર શહેર પોલીસે હિંસામાં સંડોવાયેલા લોકોને ઓળખવા અને પકડવા માટે 18 સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમો (SIT) ની રચના કરી છે. અત્યાર સુધીમાં, પોલીસે 200 લોકોની ઓળખ કરી છે અને અન્ય 1,000 શંકાસ્પદોને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. આ શંકાસ્પદો રમખાણો દરમિયાન CCTV ફૂટેજમાં કેદ થયા હતા. આ ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે પોલીસ ટીમો આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરશે. નાગપુર હિંસા કેસમાં અત્યાર સુધીમાં 90 લોકોની ધરપકડ કરવામાં આવી છે.