બ્રિટનમાં પ્રેમિકાની કરી હત્યા ને હવે સુરત જેલમાં સજા કાપશે, જાણો ચોંકાવનારો કેસ?

સુરતઃ ભારત સરકાર વિદેશમાં ગુના આચરનારા ભારતીય નાગરિકોને પરત લાવવા સતત કોશિશ કરી રહ્યું છે. જોકે હજુ સુધી વિજય માલ્યા, લલિત મોદી જેવા ગુનેગારોને ભારત લાવવામાં સફળતા મળતી નથી ત્યારે તાજેતરમાં ચોંકાવનારો કેસ જાણવા મળ્યો છે, જેમાં એક ભારતીય નાગરિકનું બ્રિટનથી ભારત પ્રત્યર્પણ કરવામાં આવ્યું છે. આરોપીએ તેની પ્રેમિકાની હત્યા કર્યા બાદ ખૂદ પોલીસને સરેન્ડર કર્યું હતું. હત્યારા આરોપીનું પ્રત્યર્પણ કરીને સજા અપાવવામાં સફળતા મળી હોય તેવો કદાચ આ દેશનો પહેલો કેસ હોઈ શકે છે.
જાણી લો શું છે સમગ્ર મામલો?
બ્રિટનમાં મંગેતરની હત્યા કરનારા આરોપી જીગુ કુમાર સોરઠીને બ્રિટિશ કોર્ટે દોષિત ઠેરવતા 28 વર્ષની જેલની સજા ફટકારી હતી.આ કેસમાં યુકે અને ભારત સરકાર વચ્ચે થયેલ સંધિ મુજબ આરોપીને સુરત જેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જીગુ કુમાર સોરઠીએ 2020માં લંડનમાં ચપ્પુના ઘા મારી મંગેતર (ભાવિની)ની ઘાતકી રીતે હત્યા કરી હતી.
લંડનમાં રહેતા ભારતીય મૂળના 23 વર્ષીય યુવક જીગુ કુમાર સોરઠીને મંગેતરની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સુરતના રહેવાસી જીગુ સોરઠીને બ્રિટનની કોર્ટે 21 વર્ષીય ભાવિની પ્રવિણની ઘાતકી હત્યા માટે દોષી ઠેરવ્યા બાદ આ સજાનો નિર્ણય કર્યો હતો. કોર્ટની સજા બાદ જીગુને 28 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે.
સુરતના રહેવાસી આરોપી જીગુને બ્રિટન કોર્ટ 28 વર્ષની સજા ફટકાર્યા બાદ અત્યાર સુધી તે લંડનની જેલમાં સજા ભોગવતો હતો. જોકે બંને દેશો વચ્ચે થયેલ કરાર બાદ આરોપી જીગુ હવે સુરતની જેલમાં સજા કાપશે.
આ પણ વાંચો : સુરતમાં હીટ એન્ડ રન કેસમાં પોલીસ કોન્સ્ટેબલનું થયું મોત
યુકેની કોર્ટમાં આરોપીના પરિવારે તેને ભારત જેલમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી માંગી હતી. ચાર વર્ષ સુધી લંડનમાં સજા ભોગવ્યા બાદ સંધિ મુજબ ભારત આવેલ જીગુને સુરતની લાજપોર જેલમાં લઈ જવાયો હતો.
ઉલ્લેખનીય છે જીગુ અને ભાવિનીએ 2017થી લંડનમાં સાથે રહેવાનું શરૂ કર્યું હતું. પહેલા બંનેનો વિચાર લગ્ન કરવાનો હતો, પરંતુ એક દિવસ બંને વચ્ચે થયેલા ઝઘડાના કારણે ભાવિનીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ વાતથી ગુસ્સે થઈને જીગુએ તેની બેરહેમીથી હત્યા કરી હતી અને બાદમાં પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો.