
મુંબઇઃ નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ અત્યંત અપેક્ષિત મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર નોંધપાત્ર પ્રગતિની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ની અંદર મુસાફરીમાં નોંધનીય પરિવર્તન લાવવા માટે તૈયાર છે. હાલમાં હાલમાં, મધ્ય મુંબઈથી બોઈસર સુધીની ટ્રેનની મુસાફરીમાં 90 મિનિટનો સમય લાગે છે. બુલેટ ટ્રેન ચાલુ થઇ ગયા બાદ આ સમય ઘટીને માત્ર 36 મિનિટનો થઇ જશે, જેને કારણે રોજિંદા પ્રવાસીઓ અને લિઝર માટે મુસાફરી કરનારા બંનેને ફાયદો થશે.
બુલેટ ટ્રેન સેવા મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અને અમદાવાદ વચ્ચે ચાલશે. આ ટ્રેન સેવા દૂરના ઉપનગરોને પણ નજીક લાવશે અને નોકરી રોજગારની પણ તકો ઊભી કરશે. આ બુલેટ ટ્રેન સેવા બે મોડમાં ચાલશે ફાસ્ટ મોડમાં લિમિટેડ સ્ટોપેજ રહેશે. અને સ્લો મોડમાં રૂટ પરના તમામ સ્ટેશન ઉપર મુંબઈની લોકલ ટ્રેન સિસ્ટમ જેવી જ રીતે ટ્રેન ચાલશે. એનએચએસઆરસીએલના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ 2027ના અંત સુધીમાં ગુજરાતમાં કામગીરી શરૂ કરશે અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં તેની કામગીરી શરૂ થશે.
બોઈસર એ મુખ્ય ઔદ્યોગિક ઉપનગર ગણાય છે બુલેટ ટ્રેન સેવાની શરૂઆત સાથે બોઈસરમાં પણ નોંધપાત્ર પ્રગતિ થશે હાલમાં બોઈસર બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.
બોઈસર ખાતે બુલેટ ટ્રેનના સ્ટેશનમાં બે માળનું રેલવે સ્ટેશન બિલ્ડિંગ, લાઉન્જ, વેઇટિંગ રૂમ સ્મોકિંગ રૂમ, પ્રાથમિક સારવાર સુવિધાઓ, શૌચાલય, પીવાના પાણીની સુવિધાઓ, લિફ્ટ, એસ્કેલેટર વગેરે સુવિધાઓ મોજુદ હશે. સ્ટેશન પર દુકાનો પણ હશે. બોઇસર સ્ટેટ હાઇવે પર સ્થિત આ સ્ટેશન પર ખાનગી કાર, ટેક્સી, ટુ-વ્હિલર, બસ સ્ટેશન પ્લાઝા અને બગીચાઓ માટે ખાસ પાર્કિંગ અને સુવિધાઓ રાખવામાં આવશે.
બોઈસર પ્રવાસનનું કેન્દ્ર પણ છે જેમાં ચિંચની, નંદગાવ, શિરગાંવ, કેળવે, દહાણું અને બોરડી જેવા અને સુંદર દરિયા કિનારા આવેલા છે. એ ઉપરાંત અહીં હિરદપાડા અને કલમાદેવી ધોધ અને મહાલક્ષ્મી મંદિર જેવા રમણીય સ્થળો પણ છે. નવું બુલેટ ટ્રેન સ્ટેશન આ આકર્ષણોને વધુ સુલભ બનાવશે અને આ વિસ્તારમાં પ્રવાસનને વેગ આપશે.