
પ્રયાગરાજઃ આજથી મહાકુંભની શરૂઆત થઈ છે. જોકે આ સાથે એક વિવાદ પણ સામે આવ્યો છે. સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવની પ્રતિમા અહીં મૂકવામાં આવતાં વિવાદ ઉભો થયો છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષ નેતા માતા પ્રસાદ પાંડે અને મુલાયમ સિંહ યાદવ સ્મૃતિ સેવા સંસ્થા દ્વારા સેકટર-16માં ત્રણ ફૂટની કાંસાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુ નેતાજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે.
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવીન્દ્ર પુરી દ્વારા આની ટિકા કરવામાં આવી હતી. તેમણે આ કહ્યું મુલાયમ સિંહ યાદવ મુલાયમ સિંહ યાદવ એન્ટી હિન્દુ અને એન્ટી સનાતન દ્રષ્ટિકોણ ધરાવતા હતા. સમાજવાદી પાર્ટીના નેતા માતા પ્રસાદ પાંડેએ કહ્યું, નેતાજીના વિચારોને લોકો સુધી પહોંચાડવા તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. મેળો પૂરો થયા બાદ પ્રતિમાને પાર્ટી કાર્યાલય લઈ જવામાં આવશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સપા પ્રમુખ અખિલેશ યાદવ મહાકુંભમાં સ્નાન કરશે? તેના જવાબમાં કહ્યું, મને આ વાતની ખબર નથી, જોકે મેં શનિવારે જ ગંગામાં ડૂબકી લગાવી છે.
આ પણ વાંચો : Mahakumbh 2025: કુંભમાં જામ્યું છે એમ્બેસેડર બાબા, રબડી બાબાનું આકર્ષણ…
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવીન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે મુલાયમ સિંહ યાદવની પ્રતિમાની સ્થાપનાનો હેતુ તેમણે તેમના સમુદાયના સભ્યોની “હત્યા” કરી હતી તે યાદ અપાવવાનો હોઈ શકે છે. અમને મુલાયમ સિંહની પ્રતિમા સામે કોઈ વાંધો નથી. તે મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. પરંતુ આ સમયે પ્રતિમા સ્થાપિત કરીને તેઓ (સપા લોકો) શું સંદેશ આપવા માંગે છે. રામ મંદિર આંદોલનમાં તેમનું શું યોગદાન રહ્યું છે તે બધા જાણે છે. તેઓ હંમેશા હિંદુ વિરોધી, સનાતન વિરોધી અને મુસ્લિમોના પક્ષમાં રહ્યા છે, તેમ રવીન્દ્ર પુરીએ જણાવ્યું હતું.
આજથી પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત થઈ ચુકી છે, વહેલી સવારથી જ લોકો સંગમ તટ પર આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. પ્રથમ દિવસે અનેક વિદેશીઓ પણ મહાકુંભમાં સ્નાન કરવા ઉમટ્યા હતા.