વાઈબ્રન્ટ સમિટઃ મુકેશ અંબાણીએ આપ્યું મોટું નિવેદન, મોદી હૈ તો…
સ્ટીલ જાયન્ટ લક્ષ્મી મિત્તલે પણ ગુજરાત અંગે મહત્ત્વની વાત જણાવી
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતની દસમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. રોકાણકારોના મહાકુંભ ગણાતી વાઈબ્રન્ટ સમિટનું આયોજન ગાંધીનાગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે, જ્યાં ભારતના જાણીતા ઉદ્યોગપતિઓની સાથે ગ્લોબલ ઈન્વેસ્ટર-પ્રધાનો પણ પધાર્યા છે. ગરવી ગુજરાતમાં આયોજિત વાઈબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ સૌથી મોટું નિવેદન આપ્યું હતું. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે મને ગુજરાતી હોવાનું ગૌરવ છે.
અહીંની ગ્લોબલ સમિટમાં દેશના ટોચના ઉદ્યોગપતિમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, લક્ષ્મી મિત્તલ, પંકજ પટેલ સહિત અન્ય ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમિટમાં ઉપસ્થિત મુકેશ અંબાણીએ કહ્યું હતું કે આ સમિટ દુનિયાની સૌથી જાણીતી સમિટ બની છે. અનેક વર્ષોથી ચાલતી એક માત્ર સમિટ સફળ રહે છે, જે પીએમ મોદીના વિઝનને કારણે શક્ય બન્યું છે. અહીંની સમિટમાં સહભાગી થવા બદલ મને એનું ગૌરવ છે તેમ જ ગુજરાતી હોવાનું મને અભિમાન છે, એમ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે અમારા લીડર દેશના ઈતિહાસના સૌથી સફળ વડા પ્રધાન છે. વડા પ્રધાન કહે છે ત્યારે આખી દુનિયા તાળીઓ પાડે છે. મોદી હૈ તો મુમકીન હૈ. દેશના પીએમે અસંભવને સંભવ બનાવ્યું છે અને હવે તો વિદેશીઓ પણ માની ગયા છે કે મોદી હૈ તો મુમકીન હે.
દરમિયાન જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે સમિટને સંબોધતા કહ્યું હતું કે હું ગુજરાતમાં આવ્યો ત્યારે પીએમ મોદીએ વન અર્થ વન ફેમિલી, વન ફ્યુચરની વાત કરી હતી. ગુજરાત રાજ્યમાં ફેર ટ્રાન્સપરન્ટ અને પોલિસી ડ્રાઈવન સરકારની ઓળખ રહી છે, જે અન્ય રાજ્યથી સાવ અલગ છે, તેથી અમારી કંપની પણ ગજુરાતમાં રોકાણ કરી રહી છે. આજથી ચાર વર્ષ પહેલા અમારી કંપનીએ કામ શરુ કર્યું હતું. આગામી બે વર્ષમાં અમારો પ્રોજેક્ટ પૂરો થશે, જ્યારે એ પૂરો થશે ત્યારે 240 કરોડ ટન સ્ટીલનું ઉત્પાદન કરીને રાષ્ટ્રમાં નંબર વન બનશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
દરમિયાન મારુતિ સુઝુકીના ચેરમેન તોશિહિરો સુઝુકીએ કહ્યું હતું કે કંપની ગુજરાત રાજ્યમાં બીજા નંબરનો સૌથી મોટો મેન્યુફેકચરિંગ પ્લાન્ટ બનાવવા માટે 35,000 કરોડનું રોકાણ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સકારાત્મક અને વિકાસલક્ષી અભિગમને કારણે અમે અહીં રોકાણ કરી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું.
મહાત્મા મંદિર ખાતેના કન્વેશન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત યુએઈના વડા મહોમ્મદ બિન ઝાયિદ નાહ્યાએ પણ સંબોધન કર્યું હતું.