સરકારી કર્મચારીઓ અને પેન્શનરો જેની લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આજે આવી ગઈ છે. મોદી સરકારે હોળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે.લોકસભા ચૂંટણી પહેલા સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે તિજોરી ખોલી નાખી છે.
કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) 46 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જાન્યુઆરીથી 30 જૂન 2024 સુધી મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.
ગુરુવાર, 7 માર્ચ, 2024 ના રોજ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયથી લગભગ 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 68 લાખ પેન્શનરોને ફાયદો થશે.
મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સામાન્ય ચૂંટણી પહેલા કર્મચારીઓને રાજી કરવા માટે આજે ગુરુવારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા આ મોટું અપડેટ આવ્યું છે.