મોદી સરકારના 10 વર્ષમાં 17 કરોડ નોકરીનું સર્જન: માંડવિયાનું સંસદમાં મોટું નિવેદન
ત્રીજા કાર્યકાળની શરૂમાં 2 લાખ કરોડના ખર્ચે ૪ કરોડથી વધુ રોજગારી ઊભી કરવાની યોજના

નવી દિલ્હીઃ મોદી સરકારના દસ વર્ષમાં ભારતમાં ૧૭ કરોડ નોકરીઓનું સર્જન થયું છે, જે યુપીએ શાસનના પાછલા દાયકાના ૩ કરોડ કરતાં મોટી છલાંગ છે. આ માહિતી શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવિયાએ સંસદમાં આપી હતી.
લોકસભામાં એક મૌખિક પ્રશ્નના જવાબમાં શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે મોદી સરકારના છેલ્લા દસ વર્ષમાં લગભગ ૧૦ કરોડ નોકરીનું સર્જન થયું છે. જો આપણે યુપીએ શાસનના દસ વર્ષ પર નજર કરીએ તો માત્ર ૩ કરોડ નોકરીનું સર્જન થયું હતું. અમે આ અમારી રીતે નથી કહી રહ્યા કારણ કે આ આરબીઆઇનો ડેટા છે.
પ્રધાને કહ્યું કે આરબીઆઇ આઝાદી પછીથી રોજગાર સર્જન પર વાર્ષિક ડેટા જાહેર કરે છે. તેમણે ગૃહને એ પણ માહિતી આપી કે છેલ્લા ૧૬ મહિનામાં કેન્દ્રએ દેશમાં ૧૧ લાખ યુવાનોને રોજગારી ઉપલબ્ધ કરાવી છે.
માંડવિયાએ જણાવ્યું કે મોદીજીએ માત્ર નોકરીઓનું સર્જન જ નથી કર્યું પરંતુ આગામી પાંચ વર્ષ માટે રોજગાર સર્જન માટે એક એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં ૨ લાખ કરોડ રૂપિયાના ખર્ચે ૪ કરોડથી વધુ રોજગારી ઊભી કરવાની યોજના અંતર્ગત પીએમ વિકસિત ભારત રોજગાર યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાના સારા પરિણામો મળી રહ્યા છે.
આપણ વાંચો: ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી થઈ લોન્ચ, રાજ્યમાં 50,000થી વધુ નવી નોકરીઓનું થશે સર્જન
રોજગાર સંલગ્ન પ્રોત્સાહન યોજના પીએમ વિકસિત ભારત રોજગાર યોજના(પીએમવીબીઆરવાય) ૧ ઓગસ્ટ, ૨૦૨૫થી શરૂ કરવામાં આવી છે. દેશમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી આ યોજનાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ હેઠળની કેન્દ્રીય કેબિનેટે પહેલાથી જ મંજૂરી આપી દીધી છે.
રૂ. ૯૯,૪૪૬ કરોડ રૂપિયાના ખર્ચ સાથે પીએમવીબીઆરવાઇ બે વર્ષમાં ૩.૫ કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાનું લક્ષ્ય ધરાવે છે. આમાંથી ૧.૯૨ કરોડ રોજગાર નવા લોકોને મળશે. આ યોજનાનો લાભ ૧ ઓગસ્ટ, ૨૦૨૫થી ૩૧ જુલાઇ, ૨૦૨૭ વચ્ચે સર્જાયેલી નોકરીઓ પર લાગૂ થશે.