ટોપ ન્યૂઝનેશનલ

મોદીનો ચૂંટણી મોડ ઓન: ‘જનતાના આશીર્વાદથી વિપક્ષ હવે દર્શકોના સ્થાને જોવા મળશે..’

પીએમ મોદીએ સોમવારે લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન વિપક્ષને આડેહાથ લીધું હતું. કુલ 3 વાર તેમના ભાષણમાં પીએમ મોદીએ આગામી ચૂંટણીઓમાં ભાજપની સરકાર બનવાના સંકેતો આપ્યા હતા. તેમણે કહ્યું, “વિપક્ષના વ્યવહારો પરથી એવું લાગે છે જાણે આ વખતે પણ તેઓ વિપક્ષ જ બની રહેવાના છે, અને અમે જંગી બહુમતીથી અમારો ત્રીજો કાર્યકાળ શરૂ કરીશું.”

આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પીએમ મોદીએ કહ્યું હતું કે દેશના મિજાજને જોઇને એવું લાગી રહ્યું છે જાણે પ્રજા ભાજપને 370 બેઠકો તો અવશ્ય આપશે જ, પરંતુ અમારા NDA ગઠબંધનને પણ 400થી વધુ બેઠકો મળશે.

“સમગ્ર દેશ કહી રહ્યો છે કે અબ કી બાર 400 પાર, ખડગેજી પણ કહી રહ્યા છે કે 400 પાર. હું આંકડાઓમાં નથી પડતો, પરંતુ દેશનો મિજાજ જોઇને લાગી રહ્યું છે.” તેવું પીએમ મોદીએ જણાવ્યું હતું.

બીજો સંકેત આપતા પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે સમગ્ર વિશ્વ આજે ભારતની મજબૂત અર્થવ્યવસ્થાની પ્રશંસા કરી રહ્યુ છે. G-20 સમિટમાં બધાએ જોયું છે કે દુનિયાભરમાં ભારત માટે કેવી ચર્ચા થાય છે. આજે દેશના મજબૂત અર્થતંત્ર અને ઝડપી વિકાસને જોતા હું વિશ્વાસ સાથે કહું છું કે આપણા ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આ મોદીની ગેરંટી છે.

“વિપક્ષે એવો સંકલ્પ લીધો છે કે જે રીતે તેઓ ઘણા દાયકાઓથી અહીં (સત્તાસ્થાને) બેઠા હતા, તે રીતે ઘણા દાયકાઓ સુધી ત્યાં (વિપક્ષ સ્થાને) બેસવાના છે. જે પ્રકારે તમે મહેનત કરી રહ્યા છો. ઇશ્વરરૂપી જનતા તમને જરૂરથી આશીર્વાદ આપશે. આગામી ચૂંટણી બાદ હવે તમે દર્શકસ્થાને જોવા મળશો.” આ રીતે પીએમ મોદીએ તેમના ભાષણમાં વિપક્ષ પર પ્રહારો કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button