નિલેશ વાઘેલા
મુંબઈ: શેરબજારમાં તેજી અવિરત આગળ વધી રહી છે અને ગુરુવારના સત્રમાં સેન્સેક્સે ૮૧,૦૦૦ની સપાટી વટાવીને વધુ એક ઇતિહાસ રચ્યો છે. એ જ સાથે નિફ્ટીએ પણ ૨૪,૮૦૦ની ઓલટાઇમ હાઇ સપાટી વટાવી છે, જે અંગેની આગાહી મુંબઇ સમાચારે સાપ્તાહિક લેખ શ્રેણી, ફોરકાસ્ટમાં ટાંકી હતી.
બજારના નિરિક્ષકો અનુસાર ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની નબળાઇ, યુએસ બોન્ડની યિલ્ડમાં ઘટાડો અને સ્થાનિક સ્તરે આઇટી સેકટરની કંપનીઓના અત્યંત પ્રોત્સાહક પરિણામ અને આશાવાદી ગાઇડન્સને કારણે બજારના સેન્ટિમેન્ટને તેજીનું જોમ મળ્યું હતું.
સત્રના પ્રારંભિક તબક્કે નીચી સપાટીએ ગબડેલા સેન્સેક્સે રિબાઉન્ડ સાથે અંતે ૬૨૬.૯૧ પોઈન્ટ અથવા ૦.૭૮ ટકાના ઉછાળા સાથે ૮૧,૩૪૩.૪૬ની નવી સર્વકાલીન ઊંચી સપાટી હાંસલ કરી છે. આમ નીચી સપાટી સામે સેન્સેક્સ લગભગ ૧૦૦૦ પોઇન્ટ જેવો ઊછળ્યો છે.
આ પણ વાંચો: શેરબજારમાં નાના શેરોમાં મોટી તેજી: સ્મોલકેપ ઓલ ટાઈમ હાઈ સપાટીએ
એ જ રીતે નિફ્ટી પણ પ્રારંભિક નુકસાની ખંખેરીને ૧૮૭.૮૫ પોઈન્ટ અથવા ૦.૭૬ ટકાના ઉછાળા સાથે ૨૪,૮૦૦.૮૫ પોઇન્ટના સર્વકાલીન ક્લોઝિંગ હાઈ લેવલ પર સેટલ થયો છે.
એ વાત નોંધવી રહી કે, પાછલા શુક્રવારથી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી વિક્રમી તેજી સાથે આગેકૂચ કરી રહ્યાં છે. સતત ચાર સત્રોમાં બંને બેન્ચમાર્ક તેમની લાઇફટાઇમ હાઇ સપાટીએ ટ્રેડ થયા છે. શુક્રવારથી અત્યાર સુધીમાં નિફ્ટી લગભગ ૪૮૫ પોઈન્ટ અથવા ૧.૯૮ ટકા ઊછળ્યો છે જ્યારે સેન્સેક્સે ૧૪૪૬ પોઈન્ટ અથવા ૧.૭૯ ટકાની છલાંગ લગાવી છે.
નિષ્ણાતોએ કહ્યું હતું કે, આઇટી શેરોમાં નવેસરથી ખરીદીને કારણે બીજા અર્ધવાર્ષિક ગાળામાં ફ્રન્ટલાઈન બેન્ચમાર્ક મજબૂત બન્યા હતા. રૂપિયો નબળો પડવા સાથે જૂન ક્વાર્ટરમાં દેશની અગ્રણી આઇટી કંપનીઓના મજબૂત કામગીરીના અહેવાલો પછી સેક્ટર માટે રોકાણકારોનો આશાવાદ વધ્યો હતા.
આ પણ વાંચો: શેરબજારમાં નવો વિક્રમ: સેન્સેક્સ પહેલી વખત ૮૦,૫૦૦ની ઐતિહાસિક ઊંચી સપાટીએ
આ ઉપરાંત સપ્ટેમ્બર સુધીમાં અમેરિકાની મધ્યસ્થ બેન્ક ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં કાપની વધતી આશા પર યુએસ બોન્ડ યીલ્ડમાં નરમાઈએ પણ ભારતીય ઇક્વિટીમાં એફઆઇઆઇના પ્રવાહને વેગ આપ્યો છે.
ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, બજાજ ફિનસર્વ, ઇન્ફોસીસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલીવર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એચસીએલ ટેક્નોલોજીસ અન્ય ટોપ ગેઇનર્સમાં હતા. આનાથી વિપરીત એશિયન પેઇન્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એનટીપીસી અને અદાણી પોર્ટસ ટોપ લૂઝર્સ શેરોમાં સામેલ હતા.
સેન્સેક્સની ૨૨ સ્ક્રિપ્સ વધી હતી અને આઠ સ્ક્રિપ્સ ઘટી હતી. એક્સચેન્જમાં ૪,૦૧૬ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૦૦૨ સ્ટોક્સ વધ્યા હતા, ૨૨,૫૦૦ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૯૨ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૨૩૯ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૨૫ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.