ફડણવીસનું નરો વા કુંજરો વા: ભાષા મુદ્દે મુખ્ય પ્રધાને કહ્યું ગુનો નોંધાયો, પરંતુ ભાવિ હુમલા રોકવા કોઈ ફોડ ન પાડ્યો
મહારાષ્ટ્રના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન યોગેશ કદમે હુમલા ન કરવા અપીલ કરી, પરંતુ મરાઠી તો બોલવું જ પડશે એમ જણાવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બે દિવસમાં બે વેપારીઓ સાથે મરાઠી ન બોલવાના મુદ્દે મારપીટ કરવામાં આવ્યાના વિડીયો વાયરલ થયા બાદ પણ રાજ્યના બિનમરાઠી વેપારીઓની સુરક્ષા માટે રાજ્ય સરકારને કોઈ દરકાર નથી એવું લાગી રહ્યું છે.
રાજ્યના ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન કહે છે કે મરાઠી તો બોલવું જ પડશે અને રાજ્યના મુખ્ય પ્રધાન અને ગૃહ ખાતાનો હવાલો સંભાળતા દેવેન્દ્ર ફડણવીસે વેપારીઓની ફરિયાદ પર કાર્યવાહી થઈ રહી છે એવું જણાવ્યું હતું, પરંતુ ભવિષ્યમાં આવા હુમલા ન થાય તે માટે કોઈ નક્કર કાર્યવાહી કરવાની હિંમત દાખવી નહોતી.
મીરા રોડમાં એક વેપારીને મનસેના કાર્યકર્તાઓ દ્વારા મારપીટ કરવામાં આવી તેના બીજા દિવસે થાણેમાં એક દુકાનદાર પર મરાઠીમાં બોલવાનો ઇનકાર કરવા બદલ હુમલો કરવામાં આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ, મહારાષ્ટ્રના ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ કદમે રાજ્યની સત્તાવાર ભાષાનું સન્માન કરવાની હાકલ કરી હતી અને સાથે જ જે રીતે આ કૃત્ય આચરવામાં આવ્યું છે તેની પણ નિંદા કરી હતી.
આપણ વાંચો: મરાઠી નહીં બોલવા બદલ વેપારીઓને માર માર્યો: શિવસેના (UBT) નેતા પર આક્ષેપ
સોશિયલ મીડિયા પર વ્યાપક આક્રોશ ફેલાવનાર આ ઘટનાએ મહારાષ્ટ્રમાં ભાષાકીય ઓળખ અને પ્રાદેશિક ગૌરવ અંગે લાંબા સમયથી ચાલી આવતા વિવાદને ફરીથી જન્મ આપ્યો હતો.
દરમિયાન આ મુદ્દે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ‘વેપારીઓ પર હુમલો કરવાના પ્રકરણે એફઆઈઆર નોંધવામાં આવ્યો છે અને પોલીસે સંબંધિત દોષીઓની અટકાયત પણ કરી હતી. અત્યારે આ બધા દોષીને બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા છે.’
જોકે આગામી દિવસોમાં આવા હુમલાને રોકવા માટે સરકાર શું કાર્યવાહી કરશે તે અંગે કોઈ સ્પષ્ટતા તેમણે કરી નહોતી.
ગૃહ ખાતા સાથે સંકળાયેલા કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનની ઉદાસીનતાને જોતાં વેપારીઓએ પોતાની સુરક્ષા જાતે જ કરવી પડશે એવું લાગી રહ્યું છે.
આપણ વાંચો: ભાષા વિવાદ: રાજ અને ઉદ્ધવ ઠાકરે એકસાથે, મરાઠીઓને કરી આ અપીલ
પ્રધાને ભાષાકીય સન્માનની હાકલ કરી
વિવાદને મુદ્દે પુછવામાં આવતાં કદમે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘મહારાષ્ટ્રમાં, તમારે મરાઠી બોલવી જ જોઈએ. જો તમે મરાઠી નથી જાણતા, તો તમારું વલણ એવું ન હોવું જોઈએ કે તમે મરાઠી નહીં જ બોલો.’ તેમણે સાંસ્કૃતિક અને ભાષાકીય સન્માનના મહત્વ પર ભાર મૂક્યો, ખાસ કરીને એવા રાજ્યમાં જ્યાં મરાઠીનું ઐતિહાસિક અને ભાવનાત્મક મહત્વ ઊંડું છે.
જોકે, પરિસ્થિતિ કેવી રીતે વણસી તેની નિંદા કરવામાં કદમ એટલા જ સ્પષ્ટ હતા. તેમણે લોકોને મામલો પોતાના હાથમાં ન લેવા વિનંતી કરતા કહ્યું હતું કે, ‘દુકાન માલિકને માર મારનારાઓએ કાયદો પોતાના હાથમાં ન લેવો જોઈએ. તેમણે સંબંધિત વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈતી હતી, તો કાર્યવાહી કરવામાં આવી હોત.’
આપણ વાંચો: મરાઠી પર હિન્દી લાદવાના પ્રયાસો સહન કરવામાં આવશે નહીં: રાજ ઠાકરે…
વાઈરલ વીડિયોથી ફેલાયો આક્રોશ
પ્રધાનનું આ નિવેદન વીડિયો બાદ વધી રહેલા તણાવ વચ્ચે આવ્યું છે, જેમાં એક દુકાન માલિકને મરાઠીમાં વાત કરવાનો ઇનકાર કર્યા બાદ વ્યક્તિઓના એક જૂથ દ્વારા માર મારવામાં આવી રહ્યો છે.
આવી જ ઘટના મંગળવારે ભાયંદર વિસ્તારમાં પણ બની હતી. મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ઘટનાના એક વીડિયોમાં કેટલાક હુમલાખોરો રાજ ઠાકરેની આગેવાની હેઠળના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રતીક સાથે સ્કાર્ફ પહેરેલા જોવા મળ્યા હતા.
ભાષા પર ઝઘડો હિંસક બન્યો
ખાદ્ય સામગ્રી ખરીદતી વખતે, તેમાંથી એકે સ્ટોલના માલિકને મરાઠીમાં બોલવાનું કહ્યું હતું, જેનો તેણે જવાબ આપ્યો. આનાથી તે વ્યક્તિ નારાજ થઈ ગયો હતો, તેણે સ્ટોલ માલિક પર બૂમ પાડી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તે વ્યક્તિ સાથે રહેલા કેટલાક અન્ય લોકો તેની સાથે જોડાયા હતા અને સ્ટોલ માલિકને થપ્પડ મારી હતી. સ્ટોલ માલિકની ફરિયાદના આધારે, કાશીમીરા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે અને આ કેસની તપાસ ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.