
નવી દિલ્હીઃ ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે ખેલ રત્ન એવોર્ડના નૉમિનેશન લિસ્ટમાં પોતાનું નામ ન હોવાના વિવાદ પર પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેનું નામ આ લિસ્ટમાં ન હોવાના કારણે અનેક સવાલ ઉભા થયા હતા. અનેક પ્રકારના દાવા વચ્ચે મનુ ભાકરે કહ્યું કે, તેનું લક્ષ્ય ક્યારેય એવોર્ડ જીતવાનું નથી રહ્યું પરંતુ હંમેશા દેશનું ગૌરવ વધારવાનું છે. આ સાથે તેમણે નૉમિનેશનને લઈ કહ્યું કે, તેમની તરફથી જ અરજી કરતી વખતે ભૂલ થઈ હતી.
સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલાસો કરતાં કહ્યું, મારા ખેલ રત્ન એવોર્ડને લઈ નૉમિનેશનની થઈ રહેલી ચર્ચા પર હું કહેવા માંગીશ કે મારું કર્તવ્ય માત્ર દેશ માટે રમવાનું છે. એવોર્ડ મળવો કે કોઈ પ્રકારનું સન્માન મને પ્રોત્સાહિત કરે છે પરંતુ આ મારું લક્ષ્ય નથી.
આ પણ વાંચો : મનુ ભાકરનું નામ ખેલ રત્ન એવોર્ડની યાદીમાંથી સામેલ નહીં! પિતાએ નારાજગી વ્યક્ત કરી, જાણો શું છે હકીકત
મનુ ભાકરે શું કહ્યું
પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભારત માટે 2 મેડલ જીતનારી મનુ ભાકરે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, નૉમિનેશનના સમયે મારાથી ભૂલ થઈ હતી. જેને સુધારી લેવામાં આવી છે. એવોર્ડ મળે કે નહીં, હું પ્રતિબદ્ધ થઈને દેશ માટે વધારે મેડલ જીતવાનો પ્રયાસ કરતી રહીશ. હું તમામને આ મામલે અલગ અલગ પ્રકારના દાવા ન કરવાની વિનંતી કરું છું.
ખેલ રત્ન એવોર્ડના નૉમિનેશન લિસ્ટમાં મનુ ભાકરનું નામ નહોતું, જે બાદ આ વિવાદ શરૂ થયો હતો. એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો કે મનુ અને તેનો પરિવાર પદ્મશ્રી પુરસ્કાર માટે અરજી કરવા માંગતો હતો. નિષ્ણાતે આ વિષય પર નિવેદન આપતાં કહ્યું હતું કે, અરજી કરવાની જવાબદારી ખેલાડીની હોય છે. તેમ છતાં એસોસિએશને મનુ તરફથી ખેલ મંત્રાલયને લિસ્ટમાં તેનું નામ સામેલ કરવાનો આગ્રહ રાખ્યો હતો.