
કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાત્તામાં રેસિડેન્ટ ડોક્ટર સાથે થયેલા બાળાત્કાર અને હત્યાની ઘટનાએ આખા દેશને હચમચાવ્યો છે અને ડોક્ટરોએ આજે હડતાળ પાડી છે ત્યારે બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ હવે આ કેસ સીબીઆઈને સોંપવાની તૈયારી બતાવી છે. બેનરજીએ બંગાળ પોલીસને રવિવાર સુધીનું અલ્ટિમેટમ આપતા કહ્યું છે કે મને અમાર પોલીસ પર પૂરો વિશ્વાસ છે, પરંતુ જો લોકોને શંકા હોય તો આ કેસ સીબીઆઈને સોંપી દેશું.
જોકે બેનરજીએ કહ્યું કે સીબીઆઈનો સફળતાનો દર ઓછો છે અને લોકોને ન્યાય મળતો નથી. તેમણે બંગાળ પોલીસને રવિવાર સુધીમાં તપાસ પૂરી કરવા આદેશ આપ્યો છે.
અહીંના પોલીસ અધિકારીએ કહ્યું કે અમે સતત પીડિતાના માતા-પિતાના સંપર્કમાં છીએ. આ કેસ સાથે સંબંધ ધરાવતા દરેકની પૂછપરછ કરી રહ્યા છે. કોઈ સામે શંકા હશે અને તેની પૂછપરછ નહીં કરી હોય તો તેને પણ બોલાવીને પૂછી લઈશું. ચાર-પાંચ દિવસમાં કેસની તપાસ પૂરી થશે અને અહેવાલ સુપરત કરવામાં આવશે.
દિલ્હીની 10 હૉસ્પિટલ સહિત પ.બંગાળ, હરિયાણાની હૉસ્પિટલોના ડોક્ટરો પણ મોટી સંખ્યામાં બંધમાં જોડાયા હતા. ડોક્ટરો તપાસ સીબીઆઈને સોંપવાની માગણી સાથે, જેની પણ જવાબદારી બને તેના રાજીનામાં અને પીડિતાના પરિવારને વળતર આપવાની માગણી કરી રહ્યા છે.