આતંકવાદ ક્યારેય ભગવો નહોતો, ક્યારેય રહેશે નહીં: માલેગાંવ કેસના ચુકાદા પર મુખ્ય પ્રધાનનું નિવેદન | મુંબઈ સમાચાર

આતંકવાદ ક્યારેય ભગવો નહોતો, ક્યારેય રહેશે નહીં: માલેગાંવ કેસના ચુકાદા પર મુખ્ય પ્રધાનનું નિવેદન

કોંગ્રેસે કહ્યું કે તેમને (મુખ્ય પ્રધાનને) કોઈ અફસોસ નથી: શિંદેએ કહ્યું કે ચુકાદાથી હિન્દુ સમુદાય પર લાગેલું કલંક ભૂંસાયું

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને આવકારતા કહ્યું કે ‘આતંકવાદ ક્યારેય ભગવો નહોતો અને ક્યારેય રહેશે નહીં,’ જ્યારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ ચુકાદાથી હિન્દુ સમુદાય પર લાગેલું કલંક ભૂંસાઈ ગયું છે.

એકનાથ શિંદેએ એવો પણ દાવો કર્યો કે હિન્દુઓ ક્યારેય રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકતા નથી, અને ‘હિંદુ આતંકવાદ જેવો વાહિયાત શબ્દ’ બનાવવા બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી.

વિપક્ષ કોંગ્રેસે ફડણવીસ પર પ્રહાર કરતા કહ્યું કે મુખ્ય પ્રધાનને વિસ્ફોટમાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોના મોત પર ‘કોઈ અફસોસ’ નથી, અને કોર્ટના ચુકાદા પર તેમની પ્રતિક્રિયા તેમની ‘રાજકીય માનસિકતા’ દર્શાવે છે.

તેમણે એ પણ જાણવાની માગણી કરી હતી કે શું સરકાર કોર્ટના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકારશે, જે રીતે 7/11 બ્લાસ્ટ કેસના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા પછી કરવામાં આવ્યું હતું.

આપણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર નિર્દોષ છૂટ્યા? NIA કોર્ટના અવલોકન, જાણો 17 વર્ષમાં શું શું બન્યું?

ચુકાદા પર પ્રતિક્રિયા આપતા, મુખ્યમંત્રી ફડણવીસે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું હતું કે, ‘આતંકવાદ ક્યારેય ભગવો નહોતો, નથી અને ક્યારેય રહેશે નહીં.’

આ કેસમાં કોર્ટના નિર્ણય બાદ, રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તત્કાલીન કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારની ટીકા કરતાં કહ્યું છે કે, ‘કોંગ્રેસે સમગ્ર હિન્દુ સમુદાયની માફી માગવી જોઈએ.’

‘કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે ચૂંટણીમાં લઘુમતીઓના તુષ્ટિકરણ માટે હિન્દુ આતંકવાદ, ભગવા આતંકવાદનો નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેણે એવો પ્રચાર કર્યો હતો કે હિન્દુ આતંકવાદ, ભગવો આતંકવાદ છે, તે પ્રચાર કેટલો ખોટો હતો તે આજે સ્પષ્ટ થયું છે.

કોંગ્રેસે જે રીતે કાવતરું રચીને ભગવો આતંકવાદ દાખવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોર્ટે પુરાવા સાથે સિદ્ધ કર્યું છે કે તે પ્રયાસ કેટલો ખોટો હતો,’ એમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.

‘હકીકતમાં, કોંગ્રેસે માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં યુપીએ સરકારે જેમની સામે કાર્યવાહી કરી હતી તેમની માફી માગવી જોઈએ. ઉપરાંત, કોંગ્રેસે સમગ્ર હિન્દુ સમુદાયની માફી માગવી જોઈએ.

જે રીતે તેમણે ભગવો આતંકવાદ બતાવવાનો પ્રયાસ કર્યો અને સમગ્ર હિન્દુ સમુદાયને આતંકવાદી તરીકે દર્શાવ્યા. તેથી, કોંગ્રેસે જાહેરમાં માફી માગવી જોઈએ,’ એમ દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સાથે વાત કરતા કહ્યું છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેએ આ ચુકાદા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

આપણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં 17 વર્ષે ચુકાદો; પ્રજ્ઞા સિંહ ઠાકુર સહીત તમામ 7 આરોપી નિર્દોષ જાહેર

સત્ય ક્યારેય હારતું નથી, એક કાળું પ્રકરણ પૂર્ણ થયું: એકનાથ શિંદે

એક્સ પર જ એક પોસ્ટમાં, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે, ‘સત્ય ક્યારેય હારતું નથી. સત્તર વર્ષની લાંબી લડાઈ પછી, એક વિશેષ અદાલતે માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં સાત કથિત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. એ સાચું છે કે ન્યાયમાં વિલંબ થયો હતો, પરંતુ ફરી એકવાર સાબિત થયું છે કે સત્ય ક્યારેય હારતું નથી.’

તેમણે કહ્યું કે શિવસેનાએ માલેગાંવ વિસ્ફોટ કેસમાં ખોટા આરોપો લગાવીને જેલમાં ધકેલી દેવાયેલા દેશભક્તોને કાયમ સ્પષ્ટપણે ટેકો આપ્યો હતો.

‘આનું કારણ એ છે કે શિવસેનાને ક્યારેય શંકા નહોતી કે તેમનો હેતુ ન્યાયી હતો. કર્નલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞા અને અન્ય સાત વ્યક્તિઓને આ આરોપોને કારણે ભારે માનસિક અને શારીરિક યાતના સહન કરવી પડી હતી. હિન્દુ સમુદાય આ અન્યાય ક્યારેય ભૂલશે નહીં,’ એમ શિંદેએ કહ્યું હતું.

હિન્દુઓ ક્યારેય રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકતા નથી, કારણ કે હિન્દુ ધર્મનું પાલન કરનારાઓ માટે દેશભક્તિ એક પવિત્ર ફરજ છે. ‘હિન્દુ આતંકવાદ’ શબ્દ ષડયંત્રકારી કોંગ્રેસના નેતાઓ દ્વારા ઘડી કાઢવામાં આવ્યો હતો. આવા સ્પષ્ટ જુઠ્ઠાણા માટે હવે તેમની પાસે શું જવાબ છે? એમ તેમણે પૂછ્યું હતું.

‘આજે એક કાળું પ્રકરણ સમાપ્ત થયું છે. હિન્દુ સમુદાય પરનું કલંક ભૂંસાઈ ગયું છે. ‘ગર્વથી કહો, અમે હિન્દુ છીએ’ સૂત્ર હવે દેશભરમાં સો ગણા વધુ જોરથી ગુંજી ઉઠશે, તેમાં કોઈ શંકા નથી,’ એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.

આપણ વાંચો: 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવતી કાલે આવે એવી શક્યતા

હિન્દુઓને લાંબા સમયથી બદનામ કરવાના કાવતરાનો ખુલાસો: બાવનકુળે

રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં વિશેષ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) કોર્ટનો ચુકાદો ફક્ત ન્યાયિક નિર્ણય નહોતો, પરંતુ બદનામ કરવાના લાંબા સમયથી ચાલતા રાજકીય કાવતરાનો ખુલાસો હતો.

કોર્ટે સ્પષ્ટપણે નોંધ્યું હતું કે કોઈપણ આરોપો પાછળ કોઈ નક્કર પુરાવા નથી. પરંતુ વધુ ગંભીર બાબત એ છે કે કોંગ્રેસે જાણી જોઈને તેના પ્રચારમાં ‘હિન્દુ આતંકવાદ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેમાં વિશ્ર્વભરમાં હિન્દુ સમુદાય અને તેના વિશ્ર્વાસને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

કોંગ્રેસે હિન્દુ ધર્મને આતંકવાદીઓની હરોળમાં મૂકવાનો પ્રયાસ કરીને એક અક્ષમ્ય ગુનો કર્યો છે, જે સદીઓથી માનવતા અને સહિષ્ણુતાનું પ્રતીક રહ્યું છે.

આજે, કોર્ટે સત્યને સમર્થન આપ્યું છે, અને હવે કોંગ્રેસે હિન્દુ સમુદાયની માફી માંગવી જોઈએ, એવી માગણી બાવનકુલેએ કરી હતી. ‘એક હિન્દુ ક્યારેય આતંકવાદી બન્યો નથી અને ક્યારેય બનશે નહીં. આજના કોર્ટના નિર્ણયથી હિન્દુઓને બદનામ કરનારાઓને જોરદાર થપ્પડ લાગી છે,’ એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મુંબઈ કોર્ટે આરોપી ઠાકુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ સ્થગિત રાખ્યું…

આતંકવાદનો કોઈ ધાર્મિક રંગ નહીં: હર્ષવર્ધન સપકાળ

બીજી તરફ રાજ્ય કોંગ્રેસ પ્રમુખ હર્ષવર્ધન સપકાળે કહ્યું હતું કે આતંકવાદનો કોઈ ધાર્મિક રંગ હોતો નથી. કોંગ્રેસે હંમેશા આતંકવાદની નિંદા કરી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગણી કરી છે.

માલેગાંવ વિસ્ફોટ કેસની તપાસ (તત્કાલીન એટીએસ વડા) સ્વ. હેમંત કરકરે દ્વારા કરવામાં આવી હતી, જેમણે દેશની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હતું, એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું. જો તેઓ અને સ્વ. ગૃહ પ્રધાન આર. આર. પાટિલ આજે જીવતા હોત, તો કોર્ટનો ચુકાદો શું હોત. એવું લોકો વિચારી રહ્યા છે,’ એમ પણ તેમણે કહ્યું હતું.

સપકાળે કહ્યું હતું કે, આ કેસના સંદર્ભમાં ઘણા પ્રશ્ર્નો ઉભા થયા છે. ‘આરોપી કોણ છે? મુંબઈ ટ્રેન બ્લાસ્ટ અને માલેગાંવ બ્લાસ્ટ આતંકવાદી કૃત્યો છે. 7/11 બ્લાસ્ટ કેસના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા પછી સરકારે તાત્કાલિક સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. શું સરકાર હવે આવી જ રીતે આ કેસમાં પણ કાર્યવાહી કરશે?’ એમ તેમણે પૂછ્યું હતું.

આપણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટ કેસ ચલાવતી કોર્ટને મળી બોમ્બ મુકાયાની ધમકી

માર્યા ગયેલા નિર્દોષ લોકોને સરકાર ન્યાય આપી શકી નહીં: સચિન સાવંત

મુખ્ય પ્રધાનની ટિપ્પણી પર આકરી પ્રતિક્રિયા આપતા, રાજ્ય કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે કહ્યું હતું કે, ‘માલેગાંવ બ્લાસ્ટમાં નિર્દોષ લોકો માર્યા ગયા હતા અને સરકાર તેમને ન્યાય આપી શકી નહીં, છતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને કોઈ અફસોસ નથી. તેમની એક્સ પરની પોસ્ટ તેમની રાજકીય માનસિકતા દર્શાવે છે.’

આ જ કારણ છે કે તપાસ એજન્સીઓના વલણ પર પ્રશ્ર્નો ઉભા થયા છે, એમ તેમણે કહ્યું હતું. ‘આ લોકો આતંકવાદને રાજકીય દ્રષ્ટિકોણથી પણ જુએ છે. ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલા વ્યક્તિઓએ શહીદ હેમંત કરકરે જેવા બહાદુર અધિકારીને દેશદ્રોહી પણ ગણાવ્યા હતા, એવો તેમણે આરોપ લગાવ્યો હતો.

શું આ જ રાજકીય માનસિકતા હતી જેના કારણે રોહિણી સાલિયનને આરોપીઓ સામે નરમ વલણ અપનાવવાનું કહેવામાં આવ્યું હતું અને તપાસ ધીમી કરવા માટે? સાક્ષીઓને લાલચ આપવામાં આવી હતી. ઝારખંડમાં રણધીર સિંહ જેવા સાક્ષીને પ્રધાનપદ આપવામાં આવ્યું હતું, એમ સાવંતે એક્સ પર જણાવ્યું હતું.

ધર્મ અને આતંકવાદનો કોઈ સંબંધ નથી: ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ

મુંબઈ: માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) કાયદા હેઠળ રચાયેલી ખાસ અદાલત દ્વારા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત સાત આરોપીઓને પુરાવાના અભાવે મુક્ત કરવામાં આવ્યા તેના પર બોલતાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે મુંબઈની સેશન્સ કોર્ટમાં કહ્યું હતું કે, ‘ધર્મ અને આતંકવાદ વચ્ચે કોઈ સંબંધ નથી.’

માલેગાંવ વિસ્ફોટ પછી, દેશમાં ‘ભગવા આતંકવાદ’ શબ્દની ચર્ચા થઈ હતી. આ મુદ્દે શાસક અને વિપક્ષી પક્ષો વચ્ચે લડાઈ થઈ હતી. જોકે, ભગવા અને આતંકવાદનો કોઈ સંબંધ નથી. ધર્મ અને આતંકવાદનો એકબીજા સાથે કોઈ સંબંધ નથી. આતંકવાદ એ આતંકવાદ છે, એમ અનિલ દેશમુખે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો.

ઉપરાંત, માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં વાસ્તવિક આરોપી કોણ છે? એવા પત્રકારોના સવાલ અંગે અનિલ દેશમુખે કહ્યું કે આ કેસની વધુ તપાસ દ્વારા વાસ્તવિક આરોપી બહાર આવશે. માલેગાંવના પીડિતોના પ્રત્યક્ષદર્શી અને સંબંધી ડો. અંસારી અખલાક અહેમદે કોર્ટમાંથી બહાર આવ્યા બાદ કહ્યું હતું કે તેઓ આ ચુકાદાને મુંબઈ હાઈકોર્ટમાં પડકારશે.

કોંગ્રેસને ફટકાર, ભગવા આતંકવાદના નિવેદન બદલ માફી માગવી જોઈએ: શ્રીકાંત શિંદે

મુંબઈ: શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ ગુરુવારે કહ્યું કે 2008ના માલેગાંવ વિસ્ફોટ કેસના આરોપીઓને નિર્દોષ જાહેર કરવા એ કોંગ્રેસના મોઢા પર તમાચો છે, અને તેમણે કોંગ્રેસ પાર્ટી પાસેથી તેના ‘ભગવા આતંકવાદ’ના નિવેદન બદલ માફીની માગણી કરી.

તેમણે શિવસેના (યુબીટી) પર કોંગ્રેસ સાથે જોડાણ કરવા અને હિન્દુત્વના સિદ્ધાંતો અને બાળ ઠાકરેના આદર્શોને ‘ત્યજી દેવા’ બદલ પણ પ્રહારો કર્યા હતા.

‘પ્રજ્ઞા સિંહ ઠાકુર, કર્નલ પુરોહિત અને અન્યો સામે ખોટો કેસ નોંધવામાં આવ્યો હતો. આવું કેમ થયું? આ એટલા માટે હતું કારણ કે ભારતે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ જોયો હતો. આને છુપાવવા માટે, કોંગ્રેસ દ્વારા ભગવા આતંકવાદની વાર્તા શરૂ કરવામાં આવી,’ એમ શિંદેએ કહ્યું હતું.

‘17 વર્ષ પછી, કોર્ટે તેમને (આરોપીઓને) નિર્દોષ જાહેર કર્યા. તે કોંગ્રેસના મોઢા પર થપ્પડ છે અને તેમણે માફી માગવી જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે કોંગ્રેસ સત્તામાં હતી અને હવે શિવસેના (ઞઇઝ) તેની સાથે જોડાણ કરી ચૂકી છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બળવો કર્યો કારણ કે અવિભાજિત ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ બાલ ઠાકરેના આદર્શોનો ત્યાગ કર્યો અને હિન્દુત્વને “ભૂલી” ગયા, થાણેના કલ્યાણ મતવિસ્તારના લોકસભા સભ્યએ જણાવ્યું.

‘આજે પણ, ગઠબંધનને કારણે સેના (યુબીટી) કોંગ્રેસ વિરુદ્ધ બોલી શકતી નથી. કોંગ્રેસની જેમ સેના (યુબીટી)એ પણ માફી માગવી જોઈએ,’ એમ શિંદેએ કહ્યું હતું.

મહારાષ્ટ્ર સરકારે ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવો જોઈએ: એઆઈએમઆઈએમ

છત્રપતિ સંભાજીનગર: એઆઈએમઆઈએમના નેતા ઇમ્તિયાઝ જલીલે ગુરુવારે એવી માગણી કરી હતી કે મહારાષ્ટ્ર સરકારે 2008ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના ચુકાદાને બોમ્બે હાઇકોર્ટમાં પડકારવો જોઈએ.

મુંબઈની એક વિશેષ અદાલતે ભાજપના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા પછી, જલીલે પૂછ્યું, ‘ખરા ગુનેગાર કોણ છે?’

તેમણે 2006ના મુંબઈ ટ્રેન વિસ્ફોટ કેસમાં બોમ્બે હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં તમામ 12 વ્યક્તિઓને નિર્દોષ જાહેર કરવાનો પણ ઉલ્લેખ કર્યો. ‘7/11 બોમ્બ વિસ્ફોટના આરોપીઓ 19 વર્ષથી જેલમાં બંધ હતા.

તેમને નિર્દોષ જાહેર કર્યા પછી, રાજ્ય સરકારે કહ્યું કે ચુકાદો સ્વીકાર્ય નથી. જો બંને કેસ (માલેગાંવ અને મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટ)ના આરોપીઓ નિર્દોષ છે, તો પછી વિસ્ફોટો કરાવવા માટે કોણ જવાબદાર હતું?’ એમ તેમણે પત્રકારો સાથે વાત કરતા પૂછ્યું હતું.

જો માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર જાહેર કરવાને (હાઇકોર્ટમાં) પડકારવામાં ન આવે, તો સર્વોચ્ચ અદાલત પોતે સંજ્ઞાન (સુઓમોટો દખલ) લઈ શકે છે અને સરકારને નીચલી અદાલતના આદેશ સામે અપીલ કરવાનો નિર્દેશ આપી શકે છે, એમ ઔરંગાબાદના ભૂતપૂર્વ સાંસદે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે નિર્દોષ જાહેર કરવાના આદેશની ધર્મ કે જાતિના પક્ષપાત વિના સમીક્ષા થવી જોઈએ. ચુકાદો જાહેર થાય તે પહેલાં 17 વર્ષની લાંબી રાહ જોતા, જલીલે કહ્યું કે આવા કેસોમાં ચુકાદા ઝડપથી આપવા જોઈએ. ‘એક દાયકાથી વધુ રાહ જોયા પછી પણ, અમને હજુ પણ ખબર નથી કે વિસ્ફોટો પાછળ કોણ હતું,’ તેમણે ઉમેર્યું.

17 વર્ષ પછી ચુકાદો

ગુરુવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) કાયદા હેઠળની એક ખાસ અદાલતે માલેગાંવમાં 29 સપ્ટેમ્બર, 2008ના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટ સંબંધિત કેસમાં પોતાનો ચુકાદો આપ્યો.

આ ચુકાદો આપતી વખતે, વિશેષ અદાલતના ન્યાયાધીશ એ. કે. લાહોટીએ પુરાવાના અભાવે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, મેજર રમેશ ઉપાધ્યાય (નિવૃત્ત), અજય રાહિરકર, સુધાકર દ્વિવેદી, સુધાકર ચતુર્વેદી અને સમીર કુલકર્ણીને નિર્દોષ જાહેર કર્યા.

ચુકાદો આપતી વખતે કોર્ટે શું કહ્યું?

‘સરકાર એ સાબિત કરવામાં નિષ્ફળ ગઈ કે બોમ્બ વિસ્ફોટ મોટરસાઇકલમાં થયો હતો. એવું સાબિત થયું નથી કે પ્રસાદ પુરોહિત દ્વારા આરડીએક્સ લાવવામાં આવ્યું હતું. તેમની સામેના આરોપો સાબિત થયા નથી.

બોમ્બ વિસ્ફોટ જ્યાં થયો હતો ત્યાંથી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવામાં આવ્યા નથી. એવો આરોપ છે કે સાધ્વીની મોટરસાઇકલમાં વિસ્ફોટ થયો હતો. પરંતુ તે સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે કે આ મોટરસાઇકલ સાધ્વીની છે,’ એમ કોર્ટે આરોપીઓને મુક્ત કરતી વખતે જણાવ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button