
મુંબઇ: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાઇ રહ્યાં છે. એક તરફ મહાયુતિ સરકારમાં તિરાડની ચર્ચાઓ થઇ રહી છે. તો બીજી બાજુ મહાવિકાસ અઘાડીમાં પણ આંતરીક વિવાદોને કારણે લોકસભા ચૂંટણી પડકાર રુપ બની શકે છે તેવા એંધાણ છે. ત્યાં હવે દક્ષિણ મુંબઇની બેઠક પરથી શિવસેના (ઠાકરે જૂથ) અને કોંગ્રેસ વચ્ચે આંમતરયુદ્ધ ચાલતું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઇ રહી છે.
પ્રવર્તમાન સાંસદ અરવિંદ સાવંતના પ્રચાર માટે શિવસેના ઠાકરે જૂથના નેતા અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરે એ શનિવારે ગિરગામમાં સભા લીધી હતી. ઠાકરે જૂથે દક્ષિણ મુંબઇમાં તેમની મજબૂત દાવેદારી નોંધાવી છે. તો બીજી બાજુ કોંગ્રેસે પણ આ જ બેઠક પર દાવો કરી ઉમેદવાર પણ નક્કી કરી લીધો છે. મહાવિકાસ અઘાડી માટે લોકસભાની ચૂંટણી સહેલી નથી. તેથી કોઇએ પણ સાર્વજનિક વક્તવ્યો કે પછી દાવા કરવા નહીં. એવો ઇશારો કોંગ્રેસના નેતા મિલિંદ દેવરાએ કર્યો છે.
મલિંદ દેવરાએ કહ્યું કે, મારા મતદારો, કાર્યકર્તાઓ અને સમર્થકો મને સવારથી ફોન કરી રહ્યાં છે. મહાવિકાસ અઘાડીનો એક ઘટક પક્ષ દક્ષિણ મુંબઇની બેઠક માટે એકતરફી દાવો કરી રહ્યો છે. તેથી તમારી ચિંતા વધવી સહજ છે. હું કોઇ પણ રીતે વિવાદ વધારવા કે ઊભો કરવા માંગતો નથી. પાછલાં 50 વર્ષોથી દક્ષિણ મુંબઇ લોકસભા મતદારસંઘ કોંગ્રેસ પાસે છે. દેવરા પરિવાર આ મતદાર સંઘ પરથી લડતો આવ્યો છે. સાંસદ હોય કે ન હોય લોકોના કામો દક્ષિણ મુંબઇ મતદાર સંઘમાં કર્યા છે. અમે કોઇ પણ લહેરમાં ચૂંટીને નથી આવ્યા. કામ અને સંબંધોને કારણે અમે આ લકોસભા બેઠક જીતતા આવ્યા છે. એમ દેવરાએ કહ્યું હતું. ભાજપ-શિવસેનાની યુતિમાં લડવાથી લોકસભાની ચૂંટણીમાં અરવિંદ સાવંત બે વાર સાંસદ બની શક્યા છે. અગાઉ દક્ષિણ મુંબઇ મતદારસંઘમાંથી મિલિંદ દેવરા પણ સાંસદ રહી ચૂક્યા છે.