મુંબઈમાં 16 સપ્ટેમ્બરની ઇદે મિલાદની રજા થઇ રદ, સરકારે જાહેર કરી નવી તારીખ, જાણો કારણ
મુંબઇઃ ઇદ-એ-મિલાદના અવસર પર, 16 સપ્ટેમ્બર, સોમવારના રોજ રજા જાહેર કરવામાં આવી હતી. પરંતુ મહારાષ્ટ્ર સરકારે મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગરોમાં આ રજા રદ કરી છે. મુંબઇમાં હવે 18 સપ્ટેમ્બરે ઈદ-એ-મિલાદની રજા રહેશે.
તેમજ બાકીના જિલ્લાઓમાં રજા અંગે સમીક્ષા કરી નિર્ણય લેવા સંબંધિત જિલ્લા કલેકટરોને આદેશો આપવામાં આવ્યા છે. સત્તાવાર જાહેરનામા મુજબ, સ્થાનિક મુસ્લિમ સમુદાયે 16 સપ્ટેમ્બરના બદલે 18 સપ્ટેમ્બરે ઈદનું જુલુસ કાઢવાનો નિર્ણય કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, એમ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે.
મુંબઈમાં સોમવાર 16 સપ્ટેમ્બરે ઈદ-એ-મિલાદ-ઉન-નબી 2024ની રજા રદ કરવામાં આવી છે. ઈદ-એ-મિલાદ મુસ્લિમો માટે મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે મુસ્લિમ ભાઈઓ દ્વારા આ તહેવાર વ્યાપકપણે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે જુલુસ પણ કાઢવામાં આવે છે. પરંતુ આ વર્ષે 17મી સપ્ટેમ્બરે મંગળવાર અનંત ચતુર્દશી હોવાથી રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી રહી છે. તેથી, બે સમુદાયો વચ્ચે શાંતિ અને સામાજિક સંવાદિતા જાળવવા માટે આ રજામાં ફેરફારો કરવામાં આવ્યા છે.
સરકારે આપેલી માહિતી મુજબ હવે સોમવારે ઇદ-એ-મિલાદની સત્તાવાર રજા રદ કરવામાં આવી છે અને આ રજા હવે બુધવાર, 18 સપ્ટેમ્બરના રોજ આપવામાં આવી છે. આ અંગે સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે મહિલા ઉત્પીડનની ફરિયાદો ઓનલાઈન નોંધાવવાની છૂટ આપવાનો નિર્ણય લીધો: અજિત પવાર
સરકારી કર્મચારીઓને હવે મંગળવારે અનંત ચતુર્દશીની રજા મળશે અને બુધવારે ઈદ-એ-મિલાદની રજા મળશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા નસીમ ખાને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને વિનંતી કરી હતી કે તેઓ ઈદ-એ-મિલાદના અવસર પર 16 સપ્ટેમ્બરને બદલે 18 સપ્ટેમ્બરે સરકારી રજા જાહેર કરે. તદનુસાર, બે સમુદાયો વચ્ચે શાંતિ અને સામાજિક સંવાદિતા જાળવવા માટે રજામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ઇસ્લામમાં રબી-ઉલ-અવ્વલ મહિનાનું વિશેષ મહત્વ હોવાનું કહેવાય છે. એક તરફ, વિશ્વભરના મુસ્લિમો રમઝાનનો આખો મહિનો ઉપવાસ કરે છે અને અલ્લાહની બંદગી કરે છે, જ્યારે બીજી તરફ, રબી-ઉલ-અવ્વલ મહિનામાં મુહમ્મદ પયગંબરની જન્મજયંતિ ઇદ મિલાદ ઉન નબી તરીકે ઉજવવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે મુહમ્મદ પયગંબરનો જન્મ ઇસ્લામિક ચંદ્ર કેલેન્ડરના ત્રીજા મહિના રબી-ઉલ-અવલની 12 મી તારીખે થયો હતો, તેથી આ દિવસે તેમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે ઈદ-એ-મિલાદ-ઉન-નબી 16 સપ્ટેમ્બરે ઉજવવામાં આવી રહી છે.
દર વર્ષે આ દિવસે ભારતમાં જાહેર રજા હોય છે. આ વર્ષે, જોકે, 17 સપ્ટેમ્બરને મંગળવારે અનંત ચતુર્દશી હોવાથી, 18 સપ્ટેમ્બરને ઈદ-એ-મિલાદની રજા જાહેર કરવામાં આવી છે. સતત બીજા વર્ષે મુસ્લિમ સમાજે ઈદ-એ-મિલાદના દિવસને છોડીને જુલુસ કાઢવા માટે બીજો દિવસ પસંદ કર્યો છે.