
દુબઈ: દેશભરમાં ચર્ચિત મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ કૌભાંડના મામલામાં ભારતીય એજન્સીઓને મોટી સફળતા હાથ લાગી છે. મહાદેવ એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. રવિ ઉપ્પલ ઉપરાંત અન્ય બે લોકોની અટકાયત કરવામાં આવી હોવાના પણ અહેવાલ છે.
EDએ તાજેતરમાં જ રવિ ઉપ્પલની ધરપકડ માટે ઇન્ટરપોલને અપીલ કરી હતી. ત્યાર બાદ ઇન્ટરપોલે રવિ ઉપ્પલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. રવિ ઉપ્પલની દુબઈમાં અટકાયત બાદ ED હવે દુબઈ પોલીસના સંપર્કમાં છે. રવિ ઉપ્પલને ભારત લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રવિ ઉપ્પલ મહાદેવ એપ કેસના મુખ્ય આરોપીઓમાંનો એક છે. મહાદેવ એપના બીજા પ્રમોટર અને આરોપી સૌરભ ચંદ્રાકરની ધરપકડ માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે.
અગાઉ રવિ ઉપ્પલ અને સૌરભ ચંદ્રકરે એક નિવેદન જાહેર કરીને મહાદેવ એપ અને સટ્ટાબાજીના કૌભાંડમાં સંડોવણીનો ઇનકાર કર્યો હતો. તેમણે શુભમ સોની નામના વ્યક્તિને કૌભાંડ માટે જવાબદાર ગણાવ્યો હતો. આ અંગે EDએ UAE સ્થિત ભારતીય દૂતાવાસમાંથી શુભમ સોનીનું નિવેદન લીધું છે. EDની સાથે મુંબઈ પોલીસ અને છત્તીસગઢ પોલીસ કથિત સટ્ટાબાજી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીએ મની લોન્ડરિંગ કેસમાં ઉપ્પલ અને અન્ય પ્રમોટર સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ પછી EDએ ઇન્ટરપોલને રેડ કોર્નર નોટિસ જારી કરવાની વિનંતી કરી હતી.
ઓનલાઈન સટ્ટાબાજી માટેની મહાદેવ એપ કેસની તપાસ કરતી EDના રડાર હેઠળ ઘણા બોલિવૂડ અને ટીવી કલાકારો આવ્યા હતા. આ મામલે છત્તીસગઢના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ પણ સામેલ હોવાના આરોપો છે.
આ કેસમાં EDએ મુંબઈ, કોલકાતા, ભોપાલ સહિત 39 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. EDના જણાવ્યા અનુસાર, સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં સામ્રાજ્ય જમાવ્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં સૌરભ ચંદ્રકરે સંયુક્ત આરબ અમીરાતમાં લગ્ન કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મહાદેવ એપના પ્રમોટર્સે આ લગ્ન સમારોહમાં અંદાજે 200 કરોડ રૂપિયા રોકડા ખર્ચ્યા હતા.